"જામનગર મનપા ચૂંટણીનું રણશિંગુ: AAPએ 19 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરોને મળી ટિકિટ"
ઈશુદાન ગઢવીએ જામનગર માટે પત્તા ખોલ્યા - વોર્ડ 12 માં 'સોફ્ટ ટાર્ગેટ' સમજી દિગ્ગજોને મેદાને ઉતાર્યા
પ્રચાર માટે ઉમેદવારોને અપાયો પૂરતો સમય - વોર્ડ 2, 13 અને 15 માં નવા ચહેરાઓ પર ખેલાયો દાવ
64 માંથી 19 બેઠકો પર ઉમેદવાર નક્કી - રિઝવાન હુશેન અને જૈનબબેન ખફી વોર્ડ 12 માંથી લડશે ચૂંટણી
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) એ અન્ય પક્ષો કરતા બાજી મારીને 19 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં જામનગરના 16 વોર્ડની કુલ 64 બેઠકો પૈકી 19 બેઠકો પર ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઉમેદવારોને મતદારો સુધી પહોંચવા અને પ્રચાર કરવા માટે પૂરતો સમય મળી રહે, ખાસ કરીને તેવા વિસ્તારોમાં જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની સંભાવના છે.
આ યાદીમાં સૌથી વધુ ચોંકાવનારો નિર્ણય વોર્ડ નંબર 12 માં જોવા મળ્યો છે. આ વોર્ડમાં આમ આદમી પાર્ટી પોતે મજબૂત હોવાનું માની રહી છે. અહીં 4 માંથી 3 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે, જેમાં રિઝવાન હુશેન અને જૈનબબેન ખફીનો સમાવેશ થાય છે. આ બંને નેતાઓ ગત ટર્મમાં કોંગ્રેસના કોર્પોરેટર હતા અને થોડા સમય પૂર્વે જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમની સાથે અસ્લમ ખીલજીને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પક્ષને આશા છે કે આ પૂર્વ કોર્પોરેટરોનો વ્યક્તિગત પ્રભાવ AAP ને જીત અપાવશે.
વોર્ડવાર ઉમેદવારોની વાત કરીએ તો, વોર્ડ નંબર 2 માંથી હનીફ જતમલેક અને જયદિપસિંહ ઝાલા, વોર્ડ નંબર 3 માંથી નરેન્દ્રસિંહ જાડેજા અને વોર્ડ નંબર 5 માંથી મહેન્દ્રસિંહ ઝાલાના નામ નક્કી કરાયા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 13 માં પિયુષ વશીયર, લાલચંદ ધાનવાણી અને નર્મદાબેન જાદવને ટિકિટ આપીને પક્ષે તમામ વર્ગોને સાધવાનો પ્રયાસ કર્યો છે. વોર્ડ નંબર 15 માં બ્રિજેશ ફળદુ અને વોર્ડ 16 માં નિમેષ ભાલારા જેવા યુવા અને સક્રિય ચહેરાઓ પર પસંદગી ઉતારવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકામાં હાલમાં ભારતીય જનતા પાર્ટીનું એકચક્રી શાસન છે. જોકે, આ વખતે સત્તાધારી પક્ષમાં આંતરિક બળવો અને વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે, જેનો સીધો ફાયદો ઉઠાવવા આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે. વોર્ડ નંબર 7 માં ભાવનાબેન વાઘાણી, જતિન કોઠીયા અને મંજૂબેન પરમારને મેદાને ઉતારીને પક્ષે પોતાની મજબૂત પકડ દર્શાવી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી જામનગરનો જંગ હવે હાઈ-પ્રોફાઈલ ત્રિપાંખીયો જંગ બની જશે.
હવે જોવાનું એ રહેશે કે 'આપ' ની આ એન્ટ્રીથી ભાજપના મતોમાં ગાબડું પડે છે કે કોંગ્રેસની વોટબેંકને નુકસાન થાય છે. હાલ તો આમ આદમી પાર્ટીએ ઉમેદવારો વહેલા જાહેર કરીને મનપા ચૂંટણીમાં પ્રચારની દ્રષ્ટિએ લીડ મેળવી લીધી છે. જામનગરના મતદારો પરિવર્તનને સ્વીકારે છે કે ભાજપના શાસન પર મહોર મારે છે, તેનો ફેંસલો આવનારો સમય જ કરશે, પરંતુ હાલમાં તો રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.