સુરતમાં જૈન શાસનને લજવતો વિવાદ: સાધ્વીજી અને શ્રાવિકાઓના શોષણના આક્ષેપ સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી!
- "આવા પાખંડીને સામાન્ય કપડાં પહેરાવી સંસારમાં મોકલી દો" - પોલીસ કમિશનર કચેરીએ મહિલાઓનો ભારે હંગામો
- વેસુમાં પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે જ વિરોધનો વંટોળ - "દુષ્કર્મ કરનારના હાથે ભગવાનની પ્રતિષ્ઠા ન થાય" : જૈન શ્રાવિકાઓ
- કરોડોની ઉચાપત અને શારીરિક શોષણના આરોપ - તપાગચ્છિય પ્રવર સમિતિએ અગાઉ જ કર્યા છે બહિષ્કૃત
અહિંસા અને સંયમના પવિત્ર ધર્મ ગણાતા જૈન ધર્મમાં સુરત ખાતે એક એવો વિવાદ સામે આવ્યો છે જેણે સમગ્ર જૈન સમાજને હચમચાવી દીધો છે. સુરત પધારેલા એક જૈન મુનિ સામે સાધ્વીજીઓ અને શ્રાવિકાઓના શારીરિક શોષણના અત્યંત ગંભીર આરોપો લાગ્યા છે. આ મામલે આજે સુરતની જૈન શ્રાવિકાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ પોલીસ કમિશનર કચેરીએ ન્યાયની ગુહાર લગાવી હતી.
"ભગવાનને ટચ કરવાનો પણ એમને અધિકાર નથી" વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી નિકિતા નામની મહિલાએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જે વ્યક્તિ સાધ્વીજીઓ સાથે દુષ્કર્મ જેવા નીચ કૃત્યમાં સંડોવાયેલા હોય તે અમારા ભગવાનની પ્રતિષ્ઠા કેવી રીતે કરી શકે? આવા શખ્સને જૈન મુનિના વેશમાં રહેવાનો કોઈ હક નથી. મહિલાઓએ માંગ કરી છે કે આ મુનિનું વેશ પરિવર્તન કરાવી તાત્કાલિક સંસારમાં પરત મોકલી દેવા જોઈએ.
CBI તપાસ અને PM મોદીને અપીલ શ્રાવિકાઓએ માત્ર સ્થાનિક પોલીસ જ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ મામલે દરમિયાનગીરી કરવા અપીલ કરી છે. જીનલ અને મોના નામની મહિલાઓએ જણાવ્યું કે, જૈન સાધુ ક્યારેય ધન-સંપત્તિને અડતા નથી, છતાં આ મુનિના નામે કરોડોની પ્રોપર્ટી હોવાના આક્ષેપ છે. આ સમગ્ર કૌભાંડ અને શોષણની વાસ્તવિકતા સામે લાવવા માટે CBI તપાસ થવી જોઈએ.
સામાજિક અને કાયદાકીય જંગ નોંધનીય છે કે, તપાગચ્છિય પ્રવર સમિતિ દ્વારા આ મુનિને અગાઉ બહિષ્કૃત કરવામાં આવ્યા છે, તેમ છતાં અમુક સંઘોમાં તેમની સક્રિયતાથી સમાજમાં ફાટફૂટ પડી છે. થોડા દિવસો પહેલા જ્યારે વિરોધ કરવા ગયેલા લોકો સાથે ટ્રસ્ટીઓએ ગેરવર્તન કર્યું હતું, ત્યારબાદ હવે મહિલાઓએ પોતે મોરચો સંભાળ્યો છે. શ્રાવિકાઓનું કહેવું છે કે જો અત્યારે અવાજ નહીં ઉઠાવીએ તો આવનારી પેઢી અને દીકરીઓ ઉપાશ્રયમાં જતાં પણ ડરશે.
હાલમાં સુરત પોલીસ દ્વારા મહિલાઓની રજૂઆત સાંભળી કાયદાકીય પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. જૈન સમાજમાં ઉઠેલો આ વંટોળ આગામી દિવસોમાં કેવું સ્વરૂપ લે છે તેના પર સૌની મીટ મંડાણી છે.