ભાજપમાં ‘પેનલ’ ના નામે ‘વ્યક્તિગત’ જંગ: ઉમેદવારોમાં હારનો ફાળ, મતદારોને કહી રહ્યા છે- "બીજાનું જે થાય તે, મારું જોજો"
-
શિસ્તના લીરેલીરા: ‘કમલમ’ સુધી પહોંચી પાયા ખોદવાની ફરિયાદ; અમદાવાદ સહિતના શહેરોમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ
-
પોતાની ‘દુકાન’ બચાવવા મેદાને પડ્યા નેતાઓ; એન્ટી-ઇન્કમ્બન્સીના ડરે સાથી ઉમેદવારો સાથે જ છેડો ફાડ્યો
-
પેનલોના ફુરચા ઉડવાના એંધાણ- નિષ્ક્રિય થયેલા દાવેદારો ‘પાછલા બારણે’ ખેલ પાડી રહ્યા હોવાની ચર્ચા; નેતાગીરી લાલઘૂમ
ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરિક રાજકારણનો ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રદેશ નેતાગીરી દ્વારા દરેક વોર્ડમાં 'પેનલ ટુ પેનલ' મતદાન થાય તે માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના ઉમેદવારો હવે પક્ષના એજન્ડાને બદલે પોતાના વ્યક્તિગત અસ્તિત્વને બચાવવા માટે સાથી ઉમેદવારોના જ પાયા ખોદી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ભાજપના ઉમેદવારોમાં એક પ્રકારનો ડર પેઠો છે કે જો પેનલના અન્ય સભ્યો નબળા હશે અથવા તેમની સામે જનતાનો રોષ હશે, તો તેની અસર પોતાની જીત પર પણ પડશે. આ ડરને કારણે અનેક ઉમેદવારો હવે 'કમળ' ના નિશાન કરતા પોતાના ચહેરા અને અંગત સંબંધોને આગળ ધરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રચાર દરમિયાન ઉમેદવારો મતદારોના કાનમાં ધીમેથી કહી રહ્યા છે કે, "પેનલનું જે થવું હોય તે થાય, પણ મારું જરા જોઈ લેજો!" આ પ્રકારની વૃત્તિથી પક્ષની છબીને નુકસાન પહોંચી રહ્યું છે.
ઉમેદવારોના આ અંગત સ્વાર્થ અને શિસ્તભંગની વાતો પ્રદેશ કાર્યાલય 'કમલમ' સુધી પહોંચતા પ્રદેશ નેતાગીરી લાલઘૂમ થઈ છે. નેતાઓ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે પાર્ટીમાં વ્યક્તિ કરતા સંગઠન હંમેશા મોટું હોય છે. તેમ છતાં, પાંચ વર્ષની સત્તાનો મોહ અને હારવાની ભીતિ ઉમેદવારોને પક્ષની શિસ્ત તોડવા મજબૂર કરી રહી છે. ખાસ કરીને એવા વોર્ડમાં જ્યાં એન્ટી-ઇન્કમ્બન્સીનો પ્રભાવ છે, ત્યાં ઉમેદવારો પક્ષના એજન્ડાને બદલે જ્ઞાતિ અને સમાજ કાર્ડ રમી રહ્યા છે.
પાર્ટીમાં આંતરિક બળવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ટિકિટ ન મળતા અનેક પૂર્વ કોર્પોરેટરો અને દાવેદારો કાં તો પ્રચારથી સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયા છે અથવા તો 'પાછલા બારણે' વિપક્ષને મદદ કરી રહ્યા હોવાના અહેવાલો છે. આ સ્થિતિ ભાજપ માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે જો આંતરિક ખેંચતાણ અટકશે નહીં તો અનેક વોર્ડમાં પેનલો તૂટી શકે છે. ઉમેદવારો હવે પક્ષના સામૂહિક વિકાસના વાયદાઓને બદલે પોતાના અંગત કામો અને પહોંચને જ જીતનો આધાર માની રહ્યા છે.
હવે જ્યારે શુક્રવારે સાંજે પ્રચારના ભૂંગળા શાંત થવાના છે, ત્યારે કાર્યકરોમાં ગણગણાટ છે કે જો દરેક ઉમેદવાર પોતાની ‘વ્યક્તિગત દુકાન’ ચલાવશે, તો ભાજપનો 'ક્લીન સ્વીપ' નો દાવો પોકળ સાબિત થઈ શકે છે. પક્ષના પાયાના કાર્યકરો પણ દ્વિધામાં છે કે પેનલને વફાદાર રહેવું કે વ્યક્તિગત સંબંધોને. અંતે, ઉમેદવારોની આ અંગત રમત પાર્ટીને કેટલી ભારે પડે છે અને પેનલના પાયા કેટલા નબળા થાય છે તે તો ચૂંટણીના પરિણામો જ સ્પષ્ટ કરશે