રાજકોટમાં મોંઘવારીનો 'તડકો': સિંગતેલ અને ગેસ મોંઘા થતા ફાફડા-ગાંઠિયાના ભાવમાં 10%નો તોતિંગ વધારો!
- ગુજરાતીઓનું પ્રિય ફરસાણ હવે ખિસ્સા ખાલી કરશે - કિલોએ ₹20 થી ₹50 સુધીનો ભાવવધારો ઝીંકાયો
- કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹2000ને પાર થતા વેપારીઓ મજબૂર - હોટલ-રેસ્ટોરાંની થાળીના ભાવમાં પણ વધારો
- કપાસિયા અને સિંગતેલના ભાવ વધતા ફરસાણ એસોસિએશનનો નિર્ણય - વિદ્યાર્થીઓ અને મુસાફરો પર આર્થિક બોજ વધ્યો
રંગીલા રાજકોટના લોકો જેમના વિના સવારનો નાસ્તો અધૂરો ગણે છે તેવા ફાફડા, ગાંઠિયા અને વિવિધ ફરસાણના ભાવમાં હવે મોંઘવારીનો મોટો ઉછાળો આવ્યો છે. ખાદ્યતેલોના ભાવમાં થયેલો અસામાન્ય વધારો અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ₹2000 ને પાર કરી જતાં રાજકોટના ફરસાણના વેપારીઓએ ભાવમાં 10 ટકા સુધીનો વધારો કરવાની ફરજ પડી છે. આ ભાવવધારાને કારણે સામાન્ય જનતા અને ખાસ કરીને બહારગામથી આવીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખિસ્સા પર સીધી અસર પડી રહી છે.
રાજકોટના સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. મોટાભાગનું ફરસાણ કપાસિયા તેલમાં અને ઉત્તમ ગુણવત્તાના ફાફડા-ગાંઠિયા સિંગતેલમાં તળવામાં આવે છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે પામતેલ અને કપાસિયા તેલના ભાવમાં બેફામ વધારો થયો છે. આ સાથે જ ફરસાણ બનાવવા માટે જરૂરી અન્ય ઈંધણ અને મસાલાઓ પણ મોંઘા થયા છે. પરિણામે, વેપારીઓએ ફાફડા-ગાંઠિયા અને સેવ-પાપડી જેવી વસ્તુઓમાં કિલો દીઠ ₹20 થી લઈને ₹50 સુધીનો વધારો અમલી બનાવ્યો છે.
રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરોમાં હજારો લોકો નોકરી-ધંધા અર્થે બહારથી આવતા હોય છે. આ ઉપરાંત અસંખ્ય વિદ્યાર્થીઓ હોટલ, રેસ્ટોરાં કે મેસમાં જમતા હોય છે. ફરસાણના ભાવ વધવાની સાથે હવે હોટલની થાળીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં મગફળી, ચણા અને ઘઉંનું મબલખ ઉત્પાદન થતું હોવા છતાં, સરકાર ખાદ્યતેલોના ભાવ પર નિયંત્રણ લાવી શકી નથી, જેનો ભોગ આખરે સામાન્ય જનતાએ બનવું પડી રહ્યું છે.
ફરસાણના ધંધામાં તીવ્ર હરીફાઈ હોવાને કારણે વેપારીઓ લાંબા સમય સુધી ભાવવધારો ટાળતા હોય છે, પરંતુ હવે તેલ અને ગેસના ભાવ એટલી હદે વધી ગયા છે કે જૂના ભાવે ધંધો કરવો અશક્ય બન્યો છે. રાજકોટના જાણીતા ફરસાણના શોરૂમ્સથી લઈને લારી-ગલ્લાઓ પર પણ નવા ભાવ પત્રકો જોવા મળી રહ્યા છે. રવિવારની સવારે ફાફડા-જલેબીની જયાફત ઉડાવતા રાજકોટીયો માટે હવે આ શોખ મોંઘો સાબિત થશે.
આ મોંઘવારી માત્ર ફરસાણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની સાંકળ આખી ખાદ્ય સામગ્રી સાથે જોડાયેલી છે. જો સરકાર તેલના ભાવને અંકુશમાં લેવા માટે કોઈ નક્કર પગલાં નહીં ભરે, તો આગામી દિવસોમાં ભાવવધારો હજુ પણ વધી શકે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. હાલ તો રાજકોટની જનતાએ પોતાના પ્રિય સ્વાદ માટે થોડા વધુ રૂપિયા ખર્ચવા તૈયાર રહેવું પડશે.