ઈરાન કટોકટી વચ્ચે દેશમાં કુદરતી ગેસના ભંડાર ઉભા કરવા સરકારની તૈયારી!
-
ગલ્ફ દેશોમાંથી ગેસની આયાત પ્રભાવિત થતાં નિર્ણય લેવાઈ રહ્યો છે.
-
ઘરેલુ, કોમર્શિયલ અને ઔદ્યોગિક તમામ એલપીજી વપરાશકર્તાઓને અસર થશે.
-
14.5 કિલો અને 19 કિલોના સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, હાલની ઈરાન કટોકટીના કારણે ગલ્ફ સહિતના દેશોમાંથી થતી કુદરતી ગેસની આયાતને ભારે ફટકો પડ્યો હતો. જેના પરિણામે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સહિતના રાંધણ ગેસના ભાવ વધારવાની સાથે સાથે પુરવઠામાં કાપ પણ મૂકવો પડ્યો હતો.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર હવે ભવિષ્યની ઈંધણ સલામતી માટે ક્રૂડ ઓઈલની જેમ જ કુદરતી ગેસના મોટા સ્ટોરેજ ઊભા કરવા માટેની તૈયારીઓ કરી રહી છે. આ આયોજનથી દેશમાં ગેસનો પૂરતો સ્ટોક જાળવી શકાશે.
જો કે કુદરતી ગેસ માટેની સ્ટોરેજ વ્યવસ્થા અત્યંત આધુનિક ટેકનોલોજી અને મોટું મૂડીરોકાણ માંગી લે છે. આ ખર્ચને પહોંચી વળવા સરકાર એલપીજી પર પ્રતિ કિલો રૂ. 1.29 નો ખાસ ચાર્જ વસૂલવા વિચારી રહી છે.
આ પ્રસ્તાવિત નિર્ણયના કારણે ઘરેલુ વપરાશ માટેના 14.5 કિલો, કોમર્શિયલ 19 કિલો અને ઉદ્યોગોને પૂરો પાડવામાં આવતો તમામ એલપીજી મોંઘો બનશે. જેનાથી સામાન્ય ગ્રાહક માટે ઘરેલુ સિલિન્ડર રૂ. 18 જેટલું મોંઘું થઈ શકે છે.
સરકાર આ ખાસ વ્યવસ્થા મારફતે કુલ રૂ. 3.60 લાખ કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ રકમનો ઉપયોગ લાંબા ગાળે દેશમાં વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ એલપીજી અને કુદરતી ગેસના ભંડાર ઊભા કરવા માટે કરવામાં આવશે.
દેશમાં ઈંધણ સુરક્ષા માટે સ્ટોરેજ ખૂબ જરૂરી
વૈશ્વિક સ્તરે સર્જાતી રાજકીય કટોકટી અને પુરવઠાની અનિશ્ચિતતા સામે દેશના નાગરિકો અને ઉદ્યોગોને સતત ઊર્જા પુરવઠો મળતો રહે તે જરૂરી છે. ક્રૂડ ઓઈલ અને એલપીજીના ભંડાર ઊભા કરવાથી ભાવમાં આવતા અચાનક ઉછાળા સામે પણ રક્ષણ મળશે. આ લાંબાગાળાના આયોજનથી ભવિષ્યમાં આયાત પરની નિર્ભરતા ઘટી શકશે અને દેશની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે.