ખાખી છોડી ખાદી ધારણ કરશે IPS મનોજ નિનામા: ટ્રાફિક IG પદેથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા!
- ચૂંટણીના માહોલમાં મોટો ધડાકો - અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
- રાજ્ય સરકારે તાત્કાલિક સ્વીકાર્યું રાજીનામું - ભાજપની સેન્સ પ્રક્રિયામાં ગોપનીય રીતે માંગી ટિકિટ
- જિલ્લા પંચાયત બાદ વિધાનસભાની ટિકિટ માટે પણ દાવેદારીની શક્યતા - અરવલ્લીના રાજકારણમાં મોટા ફેરફારના એંધાણ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ ચરમસીમાએ છે ત્યારે રાજ્યના પોલીસ બેડામાંથી એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી (IG) તરીકે કાર્યરત ૨૦૦૬ ની બેચના IPS અધિકારી મનોજ નિનામાએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. રાજ્ય સરકાર દ્વારા તેમનું રાજીનામું તાત્કાલિક ધોરણે સ્વીકારી લેવામાં આવતા હવે તેઓ સક્રિય રાજકારણમાં જોડાશે તે વાત નિશ્ચિત માનવામાં આવી રહી છે. શામળાજીના વતની એવા મનોજ નિનામા હવે ખાખી વર્દી છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરવા તૈયાર છે.
મનોજ નિનામાના રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં એવી પ્રબળ ચર્ચા છે કે તેમણે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન ગોપનીય રીતે ટિકિટની માંગ કરી હતી. તેઓ અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરે તેવી પૂરેપૂરી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આવતીકાલ સુધીમાં ભાજપ દ્વારા જાહેર થનારી યાદીમાં તેમનું નામ હોઈ શકે છે. જો તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિજયી થાય છે, તો ભવિષ્યમાં ભાજપ તેમને વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ પ્રોજેક્ટ કરી શકે છે.
રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, "૪૨ વર્ષની લાંબી નોકરી બાદ મેં રાજીનામું આપ્યું છે. સમાજનું ઋણ મારા પર છે અને તે જવાબદારી સમજીને હું આગળ વધી રહ્યો છું. હજુ સુધી કોઈ રાજકીય પક્ષે સત્તાવાર સંપર્ક કર્યો નથી, પરંતુ મારો જિલ્લો નવો છે અને તેના વિકાસ માટે જે જવાબદારીઓ હશે તે હું નિભાવીશ." જોકે, તેમના ભાજપ તરફના ઝુકાવ અંગે રાજકીય વિશ્લેષકોમાં કોઈ બે મત નથી.
એક ઉચ્ચ પોલીસ અધિકારી તરીકેનો લાંબો અનુભવ અને અરવલ્લી વિસ્તારમાં તેમનો સામાજિક પ્રભાવ જોતા, રાજકારણમાં તેમનો પ્રવેશ ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પોલીસ વિભાગમાં કડક શિસ્ત અને વહીવટી કુશળતા માટે જાણીતા નિનામા હવે રાજકીય આલમમાં કેવો દેખાવ કરે છે તેના પર સૌની નજર રહેશે. ગુજરાતમાં અગાઉ પણ અનેક IPS અને IAS અધિકારીઓ નિવૃત્તિ કે રાજીનામા બાદ રાજકારણમાં સફળ રહ્યા છે, ત્યારે મનોજ નિનામાની આ નવી સફર કેટલી રોમાંચક રહે છે તે આગામી ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કરશે.