ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા સુરતના વેપારીઓએ પીએમને લોહીથી પત્ર લખ્યો
- સીરીંજથી રક્ત કાઢી પત્રમાં આક્રોશ કંડાર્યો; સુરતમાં બુલડોઝર અને બળદગાડા સાથે નીકળી મહારેલી
- 5 લાખ સુરતીઓની સહીઓ સાથે કલેક્ટરને આવેદન; ભારતને ગૌહત્યાના કલંકથી મુક્ત કરવા અપીલ
- 10 અગ્રણી વેપારીઓએ પોતાનું લોહી અર્પણ કરી વડાપ્રધાન સમક્ષ મૂકી માંગણીઓ; શહેરમાં આસ્થાનું પૂર
સિટી ન્યુઝ @ સુરત : સુરત શહેરના ગૌભક્તો અને ટેક્સટાઈલ માર્કેટ સાથે સંકળાયેલા વેપારીઓએ ગૌમાતાને સન્માન અપાવવા માટે એક અત્યંત આક્રમક અને અનોખો માર્ગ અપનાવ્યો છે. ગાયને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે 10 જેટલા અગ્રણી વેપારીઓએ સીરીંજ દ્વારા પોતાનું લોહી કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પત્ર લખ્યો છે. આ પત્રમાં ભારતની પવિત્ર ભૂમિને ગૌહત્યાના કલંકથી મુક્ત કરવા અને ગૌવંશને રાષ્ટ્રની ધરોહર તરીકે સ્થાપિત કરવા હૃદયસ્પર્શી અપીલ કરવામાં આવી છે.
વેપારીઓએ માત્ર પત્ર જ નથી લખ્યો, પરંતુ કેન્દ્ર સરકાર સમક્ષ વહીવટી સુધારાની પણ માંગ મૂકી છે. પત્ર દ્વારા કેન્દ્રમાં એક સ્વતંત્ર 'ગૌ સંવર્ધન મંત્રાલય'ની સ્થાપના કરવાની માંગણી કરવામાં આવી છે, જેથી ગૌવંશના રક્ષણ અને જાળવણી માટે સમર્પિત કામગીરી થઈ શકે. વેપારીઓનું માનવું છે કે દેશ જ્યારે હિન્દુ રાષ્ટ્રની દિશામાં અગ્રેસર છે, ત્યારે ગૌમાતાને સર્વોચ્ચ કાયદાકીય દરજ્જો મળવો અનિવાર્ય છે. આ અભિયાનને જનસમર્થન અપાવવા માટે અત્યાર સુધીમાં અંદાજે 5 લાખ લોકોની સહીઓ પણ મેળવવામાં આવી છે.
ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત આજે અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં 8 થી 10 પરંપરાગત બળદગાડાં અને સાથે જ બુલડોઝરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. બુલડોઝરને રેલીમાં ગૌહત્યા કરનારા તત્વો સામે કડક કાર્યવાહીના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. હજારો ગૌભક્તોના જોડાયા હોવાથી શહેરના રાજમાર્ગો 'જય ગૌમાતા' ના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા.
આ ઐતિહાસિક રેલીમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને મહંતો પણ જોડાયા હતા, જેમની હાજરીએ ગૌભક્તોમાં નવી ઉર્જા ભરી દીધી હતી. સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી એ હવે માત્ર માંગણી નથી પણ ભક્તોનો દ્રઢ સંકલ્પ છે. જ્યારે આ કાફલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો ત્યારે વાતાવરણ અત્યંત ભાવુક અને ઉત્સાહભર્યું જોવા મળ્યું હતું. વેપારી લલિત શર્માએ જણાવ્યું કે આ અભિયાન રાષ્ટ્રની અસ્મિતા સાથે જોડાયેલું છે અને તેઓ દિલ્હી સુધી પોતાનો અવાજ પહોંચાડીને જ જંપશે.
સુરતથી શરૂ થયેલું આ અભિયાન હવે દેશવ્યાપી સંદેશ આપી રહ્યું છે. લોહીથી લખાયેલા આવેદનપત્ર અને લાખો લોકોની સહીઓ સાથેનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં દિલ્હી ખાતે વડાપ્રધાન કાર્યાલયમાં પણ રજૂઆત કરી શકે છે. વેપારીઓ અને સંતોના આ સંગમે સાબિત કરી દીધું છે કે ગૌરક્ષાનો મુદ્દો સુરતના લોકો માટે માત્ર આસ્થા નહીં પણ જીવનનો મંત્ર બની ગયો છે. હવે કેન્દ્ર સરકાર આ લોહીથી લખાયેલા પત્ર અને પાંચ લાખ સહીઓ પર શું પ્રતિસાદ આપે છે તેના પર સૌની નજર ટકેલી છે.