Loading Please Wait !!!
જૂનાગઢ મનપામાં ભૂગર્ભ ગટરનું કરોડોનું કૌભાંડ: બોગસ બિલોનું નેટવર્ક ખુલ્લું પડ્યું

  • RTI માં ચોંકાવનારો ખુલાસો; જે એજન્સી સામે આક્ષેપ તેને જ તપાસ સોંપતા આશ્ચર્ય
  • નકલી જીએસટી નંબર અને ખોટા ચલણોના આધારે સરકારી નાણાંનો વ્યય; અધિકારીઓની મિલીભગતની શંકા.
  • ટંકારા અને મોરબીની પેઢીઓએ બિલ નકાર્યા છતાં પોલીસ ફરિયાદમાં વિલંબ; કમિશનરના મૌન પર સવાલ

સિટી ન્યુઝ @ જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટના ફેઝ-2 માં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથેના આક્ષેપોથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જ સક્રિય કાર્યકર અને જાગૃત નાગરિક નરેશ ડવ દ્વારા કરવામાં આવેલી RTI (માહિતી અધિકાર) માં આશરે 450 કરોડના પ્રોજેક્ટમાં 150 કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. 12 હજાર જેટલા દસ્તાવેજોની ચકાસણી કરતા સામે આવ્યું છે કે, કામ કરી રહેલી એજન્સીએ અન્ય જિલ્લાની પેઢીઓના નામે બોગસ બિલો રજૂ કરીને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે.

RTI માં મળેલી વિગતો મુજબ, મોરબી, ટંકારા, મહેસાણા અને વિજાપુર જેવી દૂરની પેઢીઓના નામે મટીરીયલ સપ્લાયના બિલો રજૂ કરવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, ટંકારા પોલીસની પ્રાથમિક તપાસમાં જે-તે પેઢીના માલિકોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ બિલો અને ડિલિવરી ચલણો તેમના નથી. બજરંગ સિમેન્ટ અને ગાયત્રી સિમેન્ટ જેવી પેઢીઓએ ક્યારેય જૂનાગઢ મનપાને માલસામાન પૂરો પાડ્યો જ નથી. આ પુરાવાઓ સાબિત કરે છે કે સરકારી નાણાં ચાઉં કરી જવા માટે નકલી જીએસટી નંબર અને બનાવટી દસ્તાવેજોનું મોટું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે.

ભ્રષ્ટાચારના આ આક્ષેપોમાં વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચાવડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ વિભાગ પાસે સજ્જડ પુરાવા અને અન્ય જિલ્લાની પોલીસના લેખિત રિપોર્ટ હોવા છતાં હજુ સુધી કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. પોલીસ આ મામલાને મનપાનો આંતરિક વિષય ગણાવી રહી છે, જ્યારે કમિશનર તેજસ પરમાર લેખિત ફરિયાદ ન મળી હોવાનું રટણ કરી રહ્યા છે. અરજદારનો દાવો છે કે તેમણે ઈ-મેઈલ અને લેખિત માધ્યમથી અનેકવાર રજૂઆતો કરી છે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

તંત્રની કામગીરી પર સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આ કૌભાંડની તપાસ 'સવજાણી કંપની' ને સોંપવામાં આવી છે. આ કંપની પોતે જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (PMC) તરીકે આ પ્રોજેક્ટ પર દેખરેખ રાખવાની જવાબદારી સંભાળતી હતી. જે કંપનીના નાકની નીચે આટલું મોટું કૌભાંડ આચરાયું હોય તેને જ તપાસ સોંપવી એ ગુનેગારને જ ન્યાયાધીશ બનાવવા સમાન છે. આ ઉપરાંત, ગટરની હાઈડ્રોલિક ડિઝાઇનમાં ખામી હોવાથી માંગનાથ રોડ જેવા વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે ચોમાસામાં નાગરિકોની હાલાકી વધવાની દહેશત છે.

આશરે 150 કરોડના આ કથિત ભ્રષ્ટાચારમાં રેતી, કપચી અને લોખંડના મટીરીયલના બિલો છુપાવવામાં આવી રહ્યા છે. અધિકારીઓ દ્વારા 'રેકોર્ડ ઉપલબ્ધ નથી' તેવા જવાબો આપીને માહિતી છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ થયા છે. શાસક પક્ષના જ કાર્યકર દ્વારા પોતાની સરકારના અધિકારીઓ વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો હોવાથી રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. હવે જોવાનું એ રહેશે કે જૂનાગઢના કમિશનર અને રાજ્ય સરકાર આ ગંભીર પુરાવાઓ બાદ જવાબદારો વિરુદ્ધ કડક ફોજદારી કાર્યવાહી કરે છે કે પછી આ મામલો પણ ભીનું સંકેલી લેવામાં આવે છે.