ચોરવીરાની સીમમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ટીમ: ગેરકાયદે ખનન ઝડપાયું
- ₹1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત; બે કુવાઓમાંથી કાર્બોસેલ ખનીજનું ખોદકામ પકડાયું
- 60 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો પકડાયો; ડમ્પર અને લોડર સહિતની મશીનરી કબજે
- બે કુવાઓ પર ખાણ ખનિજ વિભાગનો દરોડો; લોખંડની પાઈપો અને બકેટ પણ સીઝ કરાયા
સિટી ન્યુઝ @ સાયલા : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા હેઠળ આવતા ચોરવીરા ગામની સીમમાં ભૂમાફિયાઓ દ્વારા ચાલતા ગેરકાયદેસર ખનન પર ખનિજ વિભાગની ટીમે લાલ આંખ કરી છે. ખનિજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમે બાતમીના આધારે દરોડો પાડીને કાર્બોસેલ ખનીજનું ગેરકાયદેસર ખોદકામ ઝડપી પાડ્યું છે. આ સમગ્ર ઓપરેશનમાં તંત્ર દ્વારા આશરે 1.10 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી ખનિજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
તપાસ દરમિયાન અધિકારીઓને સીમ વિસ્તારમાં આવેલા બે કુવાઓમાંથી કાર્બોસેલ ખનીજનું તાજેતરમાં જ થયેલું ખોદકામ મળી આવ્યું હતું. ઘટનાસ્થળેથી એક લોડર (નંબર GJ-36-S-2227) ઉપરાંત બે લોખંડની પાઈપો અને બકેટ જેવી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ખનિજ વિભાગની આ ત્વરિત કાર્યવાહીને કારણે ખનિજ માફિયાઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ કાર્યવાહીમાં ખનીજ ભરેલા ત્રણ ડમ્પરો પણ પકડાયા છે. જેમાં ડમ્પર નંબર GJ-13-AW-8631 માં 15 મેટ્રિક ટન અને ડમ્પર નંબર GJ-13-AX-4748 માં 25 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો ભરેલો હતો. જ્યારે અન્ય એક ડમ્પર (નંબર GJ-13-AX-7857) ખાલી હાલતમાં મળી આવ્યું હતું. બંને કુવાઓ પરથી કુલ મળીને આશરે 60 મેટ્રિક ટન કાર્બોસેલ ખનીજનો જથ્થો અધિકારીઓએ સીઝ કર્યો છે.
ખનિજ વિભાગના સર્વેયર દ્વારા સ્થળ પર કુવાઓની માપણી કરવામાં આવી હતી જેથી ગેરકાયદેસર રીતે કેટલા પ્રમાણમાં ખનન થયું છે તેનો સચોટ અંદાજ લગાવી શકાય. હાલમાં તમામ જપ્ત કરાયેલા વાહનો અને ખનીજનો જથ્થો સુરેન્દ્રનગર ખાતે આવેલા બહુમાળી ભવન ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા લેવામાં આવેલા આ કડક પગલાથી સાયલા અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ આવશે તેવી આશા સેવાઈ રહી છે. ખનિજ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ અને દરોડા ચાલુ રહેશે. આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધીને આગળની ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.