NH-48 પર મોતના તાંડવથી હાહાકાર: રોંગ સાઈડમાં આવતી કારે બાઈક સવાર પરિવારને કચડ્યો
-
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર સુંદરપુરા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત.
-
રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને અડફેટે લેતા મકસૂદ આલ અન્સારીનું કરુણ મોત.
-
11 વર્ષના પુત્રનું માથું છૂંદાઈ જતાં હાલત નાજુક, પત્ની પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત.
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર વડોદરાના સુંદરપુરા પાસે આજે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે સામેથી આવતી બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર પાછળ બેઠેલા 11 વર્ષના માસૂમ બાળકનું માથું છૂંદાઈ ગયું હતું, જેની હાલત હાલ સયાજી હોસ્પિટલમાં અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
મૃતકની ઓળખ મકસૂદ આલ મોબિન અન્સારી (ઉં.વ. 38) તરીકે થઈ છે. અન્સારી પરિવાર મૂળ ઝારખંડનો રહેવાસી છે અને હાલ અંકલેશ્વરમાં સ્થાયી થયો હતો. તેઓ અમદાવાદથી પરત અંકલેશ્વર જઈ રહ્યા હતા ત્યારે સુંદરપુરા પાસે મોત બનીને આવેલી કારે તેમને અડફેટે લીધા હતા. મકસૂદની પત્ની નસીમા બાનુ (ઉં.વ. 33) ને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર ફંગોળાઈને હવામાં ઉછળ્યા હતા.
અકસ્માત બાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મકસૂદ અકસ્માત બાદ રસ્તા પર તરફડિયા મારી રહ્યો હતો અને તેના શ્વાસ ચાલુ હતા. જોકે, પ્રથમ એમ્બ્યુલન્સમાં માત્ર એક જ વ્યક્તિને લઈ જવાની જગ્યા હોવાથી પત્ની અને પુત્રને રવાના કરાયા હતા. બીજી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં યોગ્ય સારવારના અભાવે મકસૂદે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ લગભગ 2 કલાક સુધી મૃતદેહ હાઈવે પર જ પડી રહ્યો હતો.
તંત્રની ઢીલી નીતિ અને એમ્બ્યુલન્સ મોડી પહોંચવાના આક્ષેપ સાથે રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો. લગભગ 1 કલાક સુધી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પરિસ્થિતિ વણસતા કપુરાઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ હાઈવે પર છેલ્લા 2 દિવસમાં આ બીજો મોટો અકસ્માત છે, છતાં રોંગ સાઈડમાં ચાલતા વાહનો પર કોઈ રોક લગાવાતી નથી.
પોલીસે માંડ-માંડ સમજાવટ બાદ હાઈવે પરથી ચક્કાજામ દૂર કરાવ્યો હતો અને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલમાં ઇજાગ્રસ્ત માતા-પુત્ર સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં પુત્ર અનિશની સ્થિતિ ચિંતાજનક છે. આ ઘટનાએ નેશનલ હાઈવે પર સુરક્ષાના દાવાઓની પોલ ખોલી નાખી છે અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ થતી જાનહાનિએ વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે.