30-40ની ઉંમરે હાર્ટ એટેક: નોર્મલ રિપોર્ટ છતાં છૂપો ખતરો
- ફિટ દેખાતા યુવાનોમાં સાયલન્ટ કિલર બની રહ્યો છે આ જેનેટિક કણ
- લિપોપ્રોટીન(a) નામનો છૂપો દુશ્મન યુવાનોના જીવ અચાનક લઈ રહ્યો છે
- જીવલેણ Lp(a) વિશે જાણો, જે સામાન્ય રિપોર્ટમાં ક્યારેય પકડાતું નથી
આજના સમયમાં 30 થી 40 વર્ષના એકદમ ફિટ અને સ્વસ્થ દેખાતા યુવાનોમાં અચાનક હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ યુવાનોનો કોલેસ્ટ્રોલ રિપોર્ટ એકદમ નોર્મલ હોય છે, તેમ છતાં તેઓ સીધા ઇમરજન્સી વોર્ડમાં પહોંચી જાય છે. ભારતમાં પશ્ચિમી દેશોની સરખામણીમાં 10 થી 15 વર્ષ વહેલા હાર્ટ એટેક આવી રહ્યા છે, જેની પાછળ માત્ર ખરાબ જીવનશૈલી જ નહીં પરંતુ એક છૂપો જેનેટિક ખતરો પણ મુખ્ય રીતે જવાબદાર છે.
તબીબી નિષ્ણાતોના મતે, આ હાર્ટ એટેક પાછળ લિપોપ્રોટીન(a) એટલે કે Lp(a) નામનું એક છુપાયેલું જેનેટિક માર્કર જવાબદાર છે. આ કોલેસ્ટ્રોલનો જ એક એવો ચાલાક કણ છે જે સામાન્ય લિપિડ પ્રોફાઇલ ટેસ્ટમાં પકડાતો નથી અને ખરાબ કોલેસ્ટ્રોલ કરતાં પણ વધુ જીવલેણ સાબિત થાય છે. આ સમસ્યા જન્મથી જ વ્યક્તિના DNAમાં હોવાથી સારો આહાર કે કસરત સીધી રીતે તેની સામે રક્ષણ આપી શકતા નથી.
હાલમાં Lp(a) ઘટાડવા માટે કોઈ જાદુઈ દવા ઉપલબ્ધ નથી, પરંતુ સાચી જાણકારીથી બચી શકાય છે. જો પરિવારમાં 60 વર્ષની ઉંમર પહેલાં કોઈને હાર્ટ એટેક આવ્યો હોય, તો વિલંબ વિના સ્પેશિયલ Lp(a) બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. જો આ લેવલ વધારે આવે, તો ડૉક્ટરની સલાહ મુજબ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલને કડકાઈથી કંટ્રોલમાં રાખીને હૃદય રોગના એકંદર જોખમને સરળતાથી ઘટાડી શકાય છે.
સાયલન્ટ કિલરથી સાવધાન તમારો સામાન્ય કોલેસ્ટ્રોલ રિપોર્ટ નોર્મલ આવે તેનો અર્થ એવો બિલકુલ નથી કે તમારું હૃદય 100 ટકા સુરક્ષિત છે. વારસાગત રીતે મળતું લિપોપ્રોટીન(a) એક ખતરનાક સાયલન્ટ કિલર છે. જો તમારા પરિવારમાં કોઈને અગાઉ હૃદય રોગ થયો હોય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરીને આ સ્પેશિયલ ટેસ્ટ અચૂક કરાવો. સ્વાસ્થ્ય બાબતે અજ્ઞાનતા અને બેદરકારી ભવિષ્યમાં તમારા માટે ક્યારેય પણ જીવલેણ સાબિત થઈ શકે છે.