Loading Please Wait !!!
કવિ કલાપીની પુણ્યતિથિ નિમિતે ચાદી ભરી ત્યાં આપની કાર્યક્રમ

» લાઠી હાઉસ ખાતે સાહિત્યપ્રેમીઓએ અમર કવિ કલાપીને અર્પી ભાવાંજલિ

સીટી ન્યૂઝ@રાજકોટ

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ, રાજકોટ દ્વારા અમર કવિ કલાપીની ૧૨૬મી પુણ્યતિથિ નિમિતે ચાદી ભરી ત્યાં આપની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ નિવાસી કલાપીના પ્રપૌત્ર, લાઠી સ્ટેટના ઠાકોર સાહેબ તથા રાજકુમાર કોલેજના ટ્રસ્ટી કીર્તિકુમારસિંહજી ગોહિલના નિવાસસ્થાન લાઠી હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ અને કલાપીપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે કવિ કલાપીની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે કવિ પ્રકાશ હાથીએ કલાપીની લોકપ્રિય અને અમર રચનાઓ રે પંખીડા સુખે ચણજો, ગ્રામ્ય માતા, હા પસ્તાવો અને વિપુલ ઝરણું જે પોષતું તે મારતુંનું ભાવપૂર્વક પઠન કર્યું હતું.

નિવૃત પ્રાધ્યાપક અને લેખક નવીનભાઈ ધામેચાએ પોતાના વક્તવ્યમાં કલાપીના અલ્પ જીવન છતાં ગુજરાતી સાહિત્યમાં આપેલા અવિસ્મરણીય યોગદાન, તેમની સંવેદનશીલતા, જીવનસંઘર્ષ તેમજ કાશ્મીર પ્રવાસ જેવા વિવિધ પાસાઓ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો.

આ પ્રસંગે સંસ્થા દ્વારા કવિ કલાપીના ૮૫ વર્ષીય પ્રપૌત્ર કીર્તિકુમારસિંહજી ગોહિલનું પુષ્પગુચ્છ, પુસ્તક, ખેસ અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન લેખક-પત્રકાર બાલેન્દુ જાની, જયેન્દ્રભાઈ મહેતા અને પરિમલભાઈ જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન લાઠી હાઉસમાં સંગ્રહિત કવિ કલાપીના દુર્લભ તૈલીચિત્રો, તસવીરો અને અન્ય ઐતિહાસિક સ્મૃતિચિહ્નોનું નિહાળન કરી સાહિત્યપ્રેમીઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનુપમ દોશીએ કર્યું હતું, જ્યારે અંતમાં જનાર્દન આચાર્યએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પંકજ રૂપારેલિયા, જીતુ ગાંધી, વિપુલ ભટ્ટ, ઉપમન્યુ રાવલ અને રમેશ શીશાંગીયાએ જહેમત ઉઠાવી હતી.