Loading Please Wait !!!
APM ટર્મિનલ્સ પીપાવવાને વૈશ્વિક સ્તરે 28મો ક્રમ

ભારતનું સૌથી ઉચ્ચ ક્રમાંક ધરાવતું ખાનગી કન્ટેનર પોર્ટ, CPPI-2025માં નોંધપાત્ર સિદ્ધિ

સીટી ન્યૂઝ@પીપાવાવ

APM ટર્મિનલ્સ પીપાવાવે કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ (CPPI) ૨૦૨૫માં વૈશ્વિક સ્તરે ૨૮મો ક્રમ મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે પીપાવાવ ભારતનું સૌથી ઉચ્ચ ક્રમાંક ધરાવતું ખાનગી કન્ટેનર પોર્ટ અને દેશનું બીજું શ્રેષ્ઠ પ્રદર્શન કરતું કન્ટેનર પોર્ટ બન્યું છે.

વર્લ્ડ બેંક અને એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત CPPI રેન્કિંગમાં પીપાવાવે ૪૨.૧૦ સ્કોર મેળવ્યો છે. આ સ્કોર પોર્ટની કાર્યક્ષમતા, જહાજોની ઝડપી અવરજવર, વિશ્વસનીય સેવાઓ અને ગ્રાહકકેન્દ્રિત કામગીરીને પ્રતિબિંબિત કરે છે.

છેલ્લા છ વર્ષ દરમિયાન પીપાવાવ પોર્ટે પોતાના CPPI સ્કોરમાં સતત સુધારો નોંધાવ્યો છે. વર્ષ ૨૦૨૦માં ૭૮ રહેલો સ્કોર વધીને વર્ષ ૨૦૨૫માં ૪૨.૧ સુધી પહોંચ્યો છે, જે સંચાલકીય ઉત્કૃષ્ટતા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રક્રિયાગત સુધારા અને ગ્રાહક સેવામાં થયેલી પ્રગતિનું પરિણામ માનવામાં આવે છે.આ સિદ્ધિ અંગે APM ટર્મિનલ્સ પીપાવાવના મેનેજિંગ ડિરેક્ટર ગિરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ સફળતા કર્મચારીઓની સમર્પિત કામગીરી, ગ્રાહકોના વિશ્વાસ અને મેરિટાઇમ-લોજિસ્ટિક્સ ક્ષેત્રની મજબૂત ભાગીદારીનું પ્રતિબિંબ છે. તેમણે જણાવ્યું કે સુરક્ષા, ઓપરેશનલ ઉત્કૃષ્ટતા અને સતત સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

પીપાવાવ પોર્ટની કામગીરી જહાજોની ઉત્પાદકતા, ડિજિટલાઇઝેશન, ઓપરેશનલ વિશ્વસનીયતા અને પ્રક્રિયાગત કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવે છે. આ સિદ્ધિ સાથે APM ટર્મિનલ્સ પીપાવાવે ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર માટેના મહત્વપૂર્ણ ગેટવે તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.

ભારતના વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના સતત વિકાસને ધ્યાનમાં રાખીને APM ટર્મિનલ્સ પીપાવાવ સુરક્ષિત, કાર્યક્ષમ, ટકાઉ અને ગ્રાહકકેન્દ્રિત પોર્ટ સેવાઓ દ્વારા દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.