Loading Please Wait !!!
2010 પૂર્વે નિયુક્ત શિક્ષકોના હિત સંરક્ષણ માટે મહાસંઘ મેદાને

 

» 18 જૂને રાજ્યભરના જિલ્લા મુખ્યાલયોએ ધરણા-પ્રદર્શન, 75 હજારથી વધુ ગુજરાતના શિક્ષકોને અસર થવાની આશંકા

સીટી ન્યૂઝ@રાજકોટ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૧૦ પૂર્વે નિયુક્ત થયેલા શિક્ષકોના હિતોના સંરક્ષણ માટે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. મહાસંઘે જણાવ્યું છે કે સમગ્ર દેશમાં અંદાજે ૨૫ લાખ અને ગુજરાતમાં ૭૫ હજારથી વધુ શિક્ષકોના સેવા હિતો, વરિષ્ઠતા, બઢતી અને અન્ય પ્રાપ્ત અધિકારો પર અસર થવાની શક્યતા ઉભી થઈ છે.

રાજકોટ ખાતે યોજાયેલી પ્રાંત સ્તરીય પ્રેસ વાર્તામાં મહાસંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ની એનસીટીઈની TET સંબંધિત અધિસૂચના અને સર્વોચ્ચ ન્યાયાલયના ૨૬ મે ૨૦૨૬ના ચુકાદાના અનુસંધાનમાં આ સ્થિતિ સર્જાઈ છે. મહાસંઘે સ્પષ્ટ કર્યું કે તેઓ સર્વોચ્ચ અદાલતના નિર્ણયોનું સંપૂર્ણ સન્માન કરે છે, પરંતુ ૨૦૧૦ પૂર્વે તે સમયના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ કાયદેસર રીતે નિમણૂક પામેલા શિક્ષકોના હક્કોનું રક્ષણ થવું જરૂરી છે. મહાસંઘે કેન્દ્ર સરકારને કાયદાકીય, નીતિગત અને વહીવટી સ્તરે તાત્કાલિક હસ્તક્ષેપ કરી શિક્ષકોના હિતો સુરક્ષિત રાખવાની માંગ કરી છે. આ મુદ્દે દબાણ વધારવા માટે આગામી ૧૮ જૂને ગુજરાતના તમામ જિલ્લા મુખ્યાલયોએ ધરણા અને પ્રદર્શન કાર્યક્રમો યોજવામાં આવશે.

મહાસંઘના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો શિક્ષકોના હિતોના રક્ષણ માટે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. શિક્ષક સંગઠનોએ સરકારને વહેલી તકે સ્પષ્ટતા કરીને શિક્ષકોમાં વ્યાપેલી અનિશ્ચિતતા દૂર કરવાની માંગ કરી છે.