Loading Please Wait !!!
હાર્ડ વર્કઆઉટ કરતા લોકો માટે વરદાન સમાન છે લિચી, સ્નાયુઓનો સોજો અને થાક કરશે દૂર

  • ઓલિગોનોલ અને વિટામિન-C થી ભરપૂર નાનકડું ફળ ઇમ્યુનિટી વધારવામાં અકસીર
  • 85% પાણી અને ડાયટરી ફાઇબરનું ઉત્કૃષ્ટ કૉમ્બિનેશન પાચનક્રિયા મજબૂત કરશે
  • એકસાથે માત્ર 4થી 6 લિચી જ ખાવી, બ્લડ શુગર કન્ટ્રોલ કરવા ડ્રાયફ્રૂટ્સ સાથે લેવી હિતાવહ

સિટી ન્યુઝ @ મુંબઈ: ઉનાળાના અંત અને ચોમાસાની શરૂઆતના આ ટ્રાન્ઝિશન પીરિયડમાં બજારમાં ટૂંકી સીઝન માટે આવતી લાલચટક અને રસદાર લિચી સ્વાસ્થ્ય માટે અઢળક ફાયદાઓ ધરાવે છે. બફારાની ઋતુમાં ગળ્યું કે ઠંડું ખાવાની ક્રેવિંગ વધતી હોય ત્યારે આઇસક્રીમ કે આર્ટિફિશિયલ ડેઝર્ટ્સ ખાવાને બદલે લિચી એક નૅચરલ અને હેલ્ધી રિપ્લેસમેન્ટ છે. ક્લિનિકલ ડાયટિશ્યન અને હૉલિસ્ટિક હેલ્થ એજ્યુકેટર કોમલ મહેતાના જણાવ્યા અનુસાર, લિચીમાં રહેલાં દુર્લભ પોષક તત્ત્વો ફિટનેસ ફ્રીકથી લઈને સામાન્ય લોકોની હેલ્ધી લાઇફસ્ટાઇલમાં મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકે છે.

જે લોકો નિયમિત કસરત કે ભારે વર્કઆઉટ કરે છે તેમના માટે લિચી પાવરફુલ એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. તેમાં કુદરતી ગ્લુકોઝ એટલે કે ફ્રુક્ટોઝ હોય છે, જે પેટ પર ભારે પડ્યા વગર તરત જ પચી જાય છે. લિચીમાં 'ઑલિગોનૉલ' નામનું ખાસ તત્ત્વ હોય છે, જે ચયાપચય (મેટાબોલિઝમ)ની ક્રિયા મજબૂત કરે છે અને ભારે કસરત બાદ સ્નાયુઓમાં થતો સોજો, દુખાવો તથા થાક ઝડપથી દૂર કરે છે. આ ઉપરાંત, તેમાં રહેલું પોટૅશિયમ અને પાણીનું ઊંચું પ્રમાણ શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવી રાખે છે, જેથી ઉનાળામાં થતા અતિશય પરસેવા બાદ પણ સ્નાયુ ખેંચાવાની (ક્રૅમ્પ્સની) સમસ્યા થતી નથી. ૧૦૦ ગ્રામ લિચીમાં માત્ર ૬૬ કૅલરી હોવાથી વજન ઉતારવા માંગતા લોકો માટે તે વરદાન સમાન છે. તેનો ૮૦થી ૮૫% ભાગ પાણીનો હોવાથી પેટ લાંબો સમય ભરેલું રહે છે.

સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓમાં એવી ગેરમાન્યતા હોય છે કે લિચી ન ખવાય, પરંતુ નિષ્ણાતોના મતે તેઓ નિયંત્રિત માત્રામાં (એક સમયમાં ૪થી ૬ તાજી લિચી) ખાઈ શકે છે. બ્લડ શુગર અચાનક વધી ન જાય તે માટે લિચીની સાથે બદામ, અખરોટ અથવા મોળું દહીં લેવું જોઈએ જેથી શુગર લોહીમાં ધીમે-ધીમે ભળે. જોકે, લિચી ક્યારેય ખાલી પેટે ન ખાવી જોઈએ, કારણ કે ઓછી એનર્જી લેવલ વખતે તે આડઅસર કરી શકે છે. લિચી ખરીદતી વખતે હંમેશાં ઘાટા ગુલાબી કે લાલ રંગની અને ખરબચડી છાલવાળી જ પસંદ કરવી જોઈએ, કારણ કે તે ઝાડ પરથી ઉતાર્યા બાદ ક્યારેય વધુ પાકતી નથી. તેને તાજી રાખવા માટે ઍર-ટાઇટ ડબ્બામાં સહેજ ભીના નૅપ્કિન સાથે રાખવી હિતાવહ છે.

રોચક ઇતિહાસ અને લિચીની હેલ્ધી રેસિપી ચીનમાં ૨૦૦૦ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી લિચીને પ્રેમ અને ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. વિદેશોમાં તેને 'એલિગેટર ઍપલ' પણ કહેવાતી હતી. ડાયટમાં લિચીનો સમાવેશ કરવા માટે પ્રોટીનથી ભરપૂર 'લિચી-ચિયા પુડિંગ' અથવા પાચનક્રિયા સુધારતું વિટામિન-C યુક્ત 'લિચી-મિન્ટ સૅલડ' બનાવીને હેલ્ધી સ્નેક્સ તરીકે આરોગી શકાય છે.