Loading Please Wait !!!
રાજકોટમાં રવિવારે વેદ મહોત્સવનું આયોજન

પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે વ્યવહારમાં વેદ વિષય પર ચાર કલાકનું વિશેષ પ્રવચન

સીટી ન્યૂઝ@ રાજકોટ 

વૈદિક મહાસભા દ્વારા આગામી ૧૪ જૂન, રવિવારના રોજ રૈયા રોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે વેદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન વ્યવહારમાં વેદ વિષય પર જાણીતા વેદ વિદ્વાન અને વૈદિક મહાસભાના પ્રમુખ અધ્યેતા સુરેશચંદ્ર આર્ય દ્વારા વિશેષ પ્રવચન આપવામાં આવશે. વૈદિક મહાસભાની યાદી મુજબ બપોરે ૨:૩૦ થી સાંજે ૬:૩૦ વાગ્યા સુધી યોજાનાર આ કાર્યક્રમમાં શહેર અને રાજ્યના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો સહિત એક હજારથી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. સુરેશચંદ્ર આર્યએ જણાવ્યું હતું કે માનવ જીવનને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે વેદોમાં માર્ગદર્શક તત્ત્વો સમાયેલાં છે. આ તત્ત્વોને સામાન્ય જનજીવન સાથે સાંકળીને સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રયાસ વ્યવહારમાં વેદ કાર્યક્રમમાં કરવામાં આવશે. વૈદિક મહાસભા દ્વારા છેલ્લા અઢી દાયકાથી રાજકોટમાં વેદ, ઉપનિષદ અને દર્શનશાસ્ત્રોના પ્રચાર-પ્રસાર માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તેમાં સાપ્તાહિક સત્સંગ, વિદ્યાર્થી શિબિરો, વેદકથાઓ અને વૈદિક સંસ્થાઓના અભ્યાસ પ્રવાસોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. ઉપરાંત સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્યો ભાનુબેન બાબરીયા, રમેશભાઈ ટીલાળા અને જયેશભાઈ રાદડિયા, મેયર ડૉ. નેહલ શુક્લ, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, એન્જિનિયરિંગ ક્ષેત્રના અગ્રણી નરેન્દ્રભાઈ પાચાણી, નરેન્દ્રસિંહ જાડેજા, અમૃતભાઈ ગઢિયા, સમાજ અગ્રણીઓ ગોવિંદભાઈ ખુંટ, જયરામભાઈ વાસજાણીયા તેમજ શીખ સમાજના અગ્રણી હરિસિંહ સુચરિયા ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમ દરમિયાન વૈદિક સાહિત્યનું પ્રદર્શન અને વેચાણ તેમજ જ્ઞાનવર્ધક પત્રિકાઓના વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવશે.