Loading Please Wait !!!
વડોદરા મનપા ચૂંટણીમાં 'રોટેશન'નો ફટકો: મેયર-પૂર્વ મેયર સહિત 25 દિગ્ગજોના પત્તા કપાશે!

  • 27% OBC અનામત લાગુ થતા સમીકરણો બદલાયા - અનેક સીટિંગ કોર્પોરેટરોનો 'ગરબો' ઘરે જશે
  • 19 વોર્ડનું ગ્રાઉન્ડ એનાલિસિસ: પિંકી સોની, હિતેન્દ્ર પટેલ અને નિલેશ રાઠોડ જેવા નામો પર જોખમ
  • કોઈ વોર્ડમાં હવે ચારેય બેઠકો સામાન્ય નથી - OBC અને ST/SC અનામતે બદલ્યા જ્ઞાતિના ગણિત

વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા નવા રોટેશને રાજકીય ગલિયારાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. ખાસ કરીને 27% OBC અનામતની અમલવારી બાદ અનેક બેઠકોના જ્ઞાતિવાર સમીકરણો ઉલટ-પુલટ થઈ ગયા છે. આ નવા રોટેશનની સૌથી મોટી અસર ભાજપના ગઢ ગણાતા વોર્ડ પર જોવા મળી રહી છે, જ્યાં વર્ષોથી સત્તા ભોગવતા 25 જેટલા કોર્પોરેટરોની ટિકિટ કપાવાની અણી પર છે.

દિગ્ગજો પર લટકતી તલવાર વોર્ડ નંબર 4 માંથી આવતા પૂર્વ મેયર પિંકીબેન સોની અને રાખીબેન શાહમાંથી કોઈ એકની ટિકિટ પર કાતર ફરી શકે છે. તેવી જ રીતે વોર્ડ નંબર 5 માં પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલ અને નૈતિક શાહ વચ્ચે ખેંચતાણ જોવા મળશે. વોર્ડ નંબર 17 માં પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને વર્તમાન દંડક શૈલેષ પાટીલ માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે કારણ કે ત્યાં એક બેઠક OBC પુરુષ માટે અનામત થઈ છે.

કોંગ્રેસના ગઢમાં પણ ગાબડું વોર્ડ નંબર 1, જ્યાં કોંગ્રેસની પેનલ છે, ત્યાં પણ ફેરફાર થયો છે. ST બેઠક આવતા જહા ભરવાડ કે હરીશ પટેલમાંથી એકની ટિકિટ કપાશે, જ્યારે અમીબેન રાવત કે પુષ્પાબેન વાઘેલા પૈકી એકને જ તક મળશે.

નવા રોટેશનની મુખ્ય અસરો:

  • વોર્ડ 12: ટ્વિંકલ ત્રિવેદી અને મનીષ પગાર સહિતના 4 માંથી 2 કોર્પોરેટરોએ ઘરે બેસવું પડશે.

  • વોર્ડ 15: ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા આશિષ જોશી અને પારુલ પટેલ માટે પણ રોટેશન પડકારરૂપ રહેશે.

  • વોર્ડ 8: કેયુર રોકડિયા ધારાસભ્ય બનતા તેમના સ્થાને નવો ચહેરો આવશે, જ્યારે રિકાબેન કે મીનાબામાંથી એકની બાદબાકી થશે.

પક્ષોની રણનીતિ: સૂત્રોના જણાવ્યા અનુસાર, જે દિગ્ગજ નેતાઓની બેઠકો અનામત થઈ ગઈ છે, તેમને પાર્ટી 'વોર્ડ ચેન્જ' કરાવી શકે છે અથવા 'જનરલ' સીટ પર અનામત કેટેગરીના મજબૂત ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. જોકે, આ વખતે ચારેય બેઠકો સામાન્ય હોય તેવો એકપણ વોર્ડ ન હોવાથી 'સેફ સીટ' શોધવી નેતાઓ માટે મુશ્કેલ બની છે.

આગામી દિવસોમાં જ્યારે ટિકિટોની વહેંચણી થશે ત્યારે અસંતોષ અને પક્ષપલટાની ઘટનાઓ વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. હાલ તો વડોદરાના રાજકારણમાં "કોના પત્તા કપાશે?" તેની જ ચર્ચાઓ ચાલી રહી છે.