ચૂંટણી પર ગરમીનું ‘ગ્રહણ’: મતદાનના દિવસે પારો 42 ડિગ્રીએ પહોંચવાની આગાહી, અંબાલાલ પટેલે વધારી ચિંતા
-
સવારે 10 પહેલા અને સાંજે 4:30 પછી મતદાન કરાવવા પક્ષોની રણનીતિ; છત્રી, ઠંડુ પાણી અને ORS ની થશે વ્યવસ્થા
-
21થી 23 એપ્રિલ માવઠાની રાહત બાદ ફરી પારો ઉછળશે; વડીલો અને બીમાર મતદારો માટે પક્ષો દ્વારા વિશેષ વ્યવસ્થા
-
મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાનની ભીતિ; ગરમી સહન કરીને પણ 100 ટકા મતદાન કરવા અપીલ
રાજકોટ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે ચરમસીમાએ છે, પરંતુ આ વખતે રાજકીય ગરમાવા કરતાં કુદરતી ગરમીએ પક્ષોની ચિંતામાં વધારો કર્યો છે. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મતદાનના દિવસે એટલે કે 26 એપ્રિલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. આ આગાહીને પગલે તમામ રાજકીય પક્ષોએ ઓછું મતદાન થવાની ભીતિએ પોતપોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે.
પક્ષોની રણનીતિ: સવાર-સાંજ પર ભાર ગરમીના પ્રકોપને જોતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મતદારોને સવારે 10 વાગ્યા પહેલા અથવા સાંજે 4:30 વાગ્યા પછી મતદાન મથક સુધી લાવવા માટે જોર લગાવ્યું છે. ભાજપ દ્વારા કાર્યકરોને મતદાન મથકો પર છત્રી, ઠંડુ પાણી અને ORS ના પેકેટ તૈયાર રાખવા સૂચના અપાઈ છે. કોંગ્રેસે સિનિયર સિટિઝન માટે પરિવહન અને છાશની વ્યવસ્થા પર ભાર મૂક્યો છે, જ્યારે 'આપ' દ્વારા મતદારોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે ગરમી ક્ષણિક છે પણ મતનો પ્રભાવ પાંચ વર્ષ સુધી રહેશે.
રાજકોટ 43 ડિગ્રી સાથે ધગધગશે હવામાન વિભાગના મતે આજે રાજકોટનું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જે તેને રાજ્યનું સૌથી ગરમ શહેર બનાવશે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. જોકે, 21 થી 23 એપ્રિલ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીને કારણે થોડાં માવઠાની આગાહી છે, જે ગરમીમાં આંશિક રાહત આપી શકે છે, પરંતુ મતદાનના દિવસે આકરી ગરમી પડવાના પૂરા સંકેતો છે.
મતદારોને અપીલ રાજકીય પક્ષો અને પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગરમીની પરવા કર્યા વગર લોકશાહીના આ પર્વમાં ભાગ લેવો જોઈએ. એક દિવસની ગરમી સહન કરીને પણ 100 ટકા મતદાન કરવું એ દરેક જાગૃત નાગરિકની ફરજ છે.