જૂનાગઢમાં ગુરુ બ્રાહ્મણ સમાજનું સંગઠન વધુ મજબૂત: ભવનાથ તળેટીમાં મળેલી સાધારણ સભામાં નવી કારોબારીની વરણી!
- મહામંત્રી તરીકે જયદીપભાઈ જોગેલ અને ખજાનચી તરીકે મનસુખભાઈ રાબડીયાની વરણી - સમાજના ઉત્થાન માટે લેવાયા સંકલ્પ
- ભવનાથ તળેટીમાં સામાજિક સમરસતાના દર્શન - મહંત પ્રવિણગિરિ મહારાજ અને કાંતિબાપુના આશીર્વાદ સાથે કાર્યક્રમ સંપન્ન
- વિદાય લેતા પ્રમુખ રસિકભાઈએ રજૂ કર્યો અહેવાલ - સામાજિક કાર્યોને વેગ આપવા નવનિયુક્ત ટીમ કટિબદ્ધ
જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીના ભવનાથ ક્ષેત્રમાં રવિવારના રોજ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજની એક મહત્વની બેઠક યોજાઈ હતી. લાલ સ્વામીની જગ્યામાં આયોજિત આ સાધારણ સભામાં જિલ્લા કારોબારીની મુદત પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજ્ય પ્રમુખ જે.વી. શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા લોકશાહી ઢબે અને સામાજિક એકતાના વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.
નવી કારોબારીનું ગઠન સભાના પ્રારંભમાં વિદાય લેતા પ્રમુખ રસિકભાઈ ધમ્મરે પાછલા બે વર્ષના કાર્યોનો અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારબાદ સર્વાનુમતે નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ચિરાગભાઈ કિશોરભાઈ ધમ્મરને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ છે. મહામંત્રી તરીકે જયદીપભાઈ જોગેલ અને ખજાનચી તરીકે મનસુખભાઈ રાબડીયા સમાજની આર્થિક અને વહીવટી જવાબદારી સંભાળશે. નવનિયુક્ત પ્રમુખ ચિરાગભાઈએ જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગને સાથે રાખીને શૈક્ષણિક અને સામાજિક ઉત્થાનના કાર્યો તેમની પ્રાથમિકતા રહેશે.
સંતોના આશીર્વાદ અને સમૂહ ભોજન આ પ્રસંગે લાલ સ્વામીની જગ્યાના લઘુ મહંત પ્રવિણગિરિ મહારાજ અને ત્રિકમ સાહેબની જગ્યાના મહંત કાંતિબાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. રાજ્ય સંગઠન મંત્રી ડી.આર. ધોળકિયા અને વિજયભાઈ ગેડીયા સહિતના અગ્રણીઓએ સંગઠનને ગામડાના સ્તર સુધી મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોએ સમૂહમાં બ્રહ્મ ભોજન લીધું હતું, જે સમાજની એકતાનું પ્રતીક બન્યું હતું.