ગુજરાતમાં ઉડ્ડયન ક્રાંતિ: દ્વારકાથી સાપુતારા સુધી તૈયાર થશે 7 અત્યાધુનિક 'હેલીપોર્ટ', મીની એરપોર્ટ જેવી મળશે સુવિધા!
2028 સુધીમાં રાજ્યના પ્રવાસન ધામો હેલિકોપ્ટર સેવાથી ધમધમશે - જાણો કયા શહેરોનો સમાવેશ થયો
'ઉડાન' યોજના હેઠળ મોરબી સહિતના શહેરોમાં વિમાની સેવા વધશે - 2028થી પ્રોજેક્ટ કાર્યરત કરવાનો લક્ષ્યાંક
સી-પ્લેન જેવો ફિયાસ્કો ન થાય તે માટે સરકાર એલર્ટ - આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા ટેન્ડર જાહેર
ગુજરાત સરકાર રાજ્યમાં પ્રવાસન અને રોજગારીને વેગ આપવા માટે ઉડ્ડયન ક્ષેત્રે એક મોટું સાહસ કરવા જઈ રહી છે. 'ઉડાન' યોજનાને નવા સ્તરે લઈ જતા, સરકારે રાજ્યના મુખ્ય 7 પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ 'હેલીપોર્ટ' બનાવવાનો નિર્ણય લીધો છે. આ હેલીપોર્ટ્સ માત્ર હેલીપેડ નહીં, પરંતુ મીની એરપોર્ટ જેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
કયા સ્થળોએ બનશે હેલીપોર્ટ? સરકારે ધાર્મિક સર્કિટને પ્રાધાન્ય આપતા સોમનાથ, દ્વારકા, અંબાજી, સાપુતારા (ડાંગ), ધોરડો-ધોળાવીરા (કચ્છ) અને વડનગરમાં હેલીપોર્ટ તૈયાર કરવાનું નક્કી કર્યું છે. આ માટે નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. અમદાવાદમાં હાંસોલ ખાતે 9 એકર જમીન પર હેલીપોર્ટ બનાવવા માટે ટેન્ડર બહાર પાડી દેવાયા છે. સાપુતારામાં 5.31 હેક્ટર અને વડનગર પાસે 2 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે.
શું હશે સુવિધાઓ? આ હેલીપોર્ટ્સ બનાવવા માટે અંદાજે ₹6.62 કરોડથી ₹20 કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવશે. અહીં ટર્મિનલ બિલ્ડિંગ, હેલિકોપ્ટર પાર્કિંગ, રિફ્યુલિંગ સ્ટેશન અને મુસાફરો માટે આરામદાયક લાઉન્જ હશે. સાપુતારા જેવા હિલ સ્ટેશન પર હેલીપોર્ટની સાથે ફૂડ કોર્ટ અને શોપિંગ મોલ જેવી પ્રવાસન સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.
11 શહેરોમાં નવા એરપોર્ટનું આયોજન હેલીપોર્ટની સાથે સાથે સરકાર વ્યાપારિક મહત્વ ધરાવતા શહેરોને જોડવા માટે 11 નવા એરપોર્ટ પણ તૈયાર કરી રહી છે. જેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા અને પાલીતાણાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ 2028 સુધીમાં કાર્યરત કરવાની સરકારની નેમ છે.
ભૂતકાળમાં સી-પ્લેન સેવાના અનુભવને ધ્યાનમાં રાખીને, આ વખતે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર ભાર મૂકી રહી છે. આધુનિક હેલિકોપ્ટર પૂરા પાડી શકે તેવી અનુભવી કંપનીઓને પ્રાથમિકતા આપીને આ સેવાનું કાયમી અને સુદ્રઢ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટથી શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓનો સમય બચશે અને રાજ્યના અર્થતંત્રને મોટો વેગ મળશે.