Loading Please Wait !!!
શિવ શક્તિ તલવારબાજી ગ્રુપ દ્વારા 5 વર્ષમાં હજારો દીકરીઓને શસ્ત્ર પ્રશિક્ષણ અપાયું

=> તલવારબાજી શિખવાડતી રાજકોટની પ્રિયંકા રાઠોડ

=> સ્વ-બચાવ, નિર્ભયતા અને આત્મવિશ્વાસ વધારવા દીકરીઓ માટે શસ્ત્રવિદ્યા અનિવાર્ય

સિટી ન્યૂઝ@રાજકોટ

આજના સમયમાં દીકરીઓને માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ સ્વ-રક્ષણ માટે શસ્ત્રવિદ્યા પણ એટલી જ જરૂરી બની ગઈ છે. રાજકોટમાં આ દિશામાં 1 અનોખું અને પ્રેરણાદાયક કાર્ય પ્રિયંકા રાઠોડ દ્વારા ચલાવવામાં આવતા 'શિવ શક્તિ તલવારબાજી ગ્રુપ' દ્વારા થઈ રહ્યું છે. આ ગ્રુપ સનાતન હિંદુ ધર્મના લોકોને અને ખાસ કરીને દીકરીઓને શસ્ત્ર પ્રશિક્ષણ આપી રહ્યું છે.

છેલ્લા 5 વર્ષના ટૂંકા ગાળામાં આ ગ્રુપ દ્વારા 7000 થી વધુ લોકોને શસ્ત્ર વિદ્યા શીખવવામાં આવી ચૂકી છે, જેમાં તલવાર, ઢાલ-તલવાર અને લાઠી દાવનો સમાવેશ થાય છે. 2 વર્ષમાં 35 જેટલા શક્તિ પ્રદર્શન કરતા તલવાર રાસ પણ આ ગ્રુપ દુનિયા સામે પ્રદર્શિત કરી ચૂક્યું છે. 1 સ્ત્રી ધારે તો શું નથી કરી શકતી, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીં જોવા મળે છે, જ્યાં 1 હાથે બાળકો અને ઘરની જવાબદારીઓ સંભાળતી સ્ત્રી, બીજા હાથે શસ્ત્ર પકડીને મા શક્તિનું સ્વરૂપ બની રહી છે.

પ્રિયંકા રાઠોડ જણાવે છે કે, તલવાર એ માત્ર લોઢાનો ટુકડો નથી, તે સાક્ષાત ભવાનીનું સ્વરૂપ છે. તલવારબાજી શીખવાથી દીકરીઓમાં શિસ્ત (ડિસિપ્લિન), એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો થાય છે અને તેઓ સ્વ-બચાવની ઉત્તમ તકનીક કેળવે છે. શસ્ત્રવિદ્યાની તાલીમ બાદ દીકરીઓમાં નિર્ભયતા આવી છે. હવે તેઓ ખરાબ પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરી શકે છે અને સ્ટેજ ફિયર પણ દૂર થયો છે. મા-બાપ પણ હવે સમજી રહ્યા છે કે ડાન્સ ક્લાસની સાથે દીકરીઓ માટે શસ્ત્રવિદ્યા પણ 1 પ્રાથમિક જરૂરિયાત છે.

પિતાની પ્રેરણાથી સર્જાયો 1 નવો ઇતિહાસ

આ ભગીરથ કાર્ય પાછળની પ્રેરણા અંગે ફાઉન્ડર પ્રિયંકા રાઠોડ જણાવે છે કે, માત્ર 7 વર્ષની ઉંમરે જ તેમણે પોતાના પિતા જયરાજ રાઠોડની છત્રછાયા ગુમાવી હતી. પોતાના સ્વર્ગસ્થ પિતાના નામને ઉજાગર રાખવાની તેમની 1 નાનકડી કોશિશ આજે અનેક દીકરીઓના જીવનની પ્રેરણા બની ગઈ છે. અતૂટ જુસ્સો (Passion) અને પ્રતિબદ્ધતા (Commitment) થી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. 1 સ્ત્રી 1લા હાથે મહેનત કરી ગમે તેવા પડકારોનો પોઝિટિવ રીતે સામનો કરી શકે છે.