Loading Please Wait !!!
ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી દિલ્હી સુધી હપ્તા પહોંચે છે

  • દાંતામાં કૉંગ્રેસ સંમેલનમાં સાંસદ ગેનીબેનના આરોપ
  • રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે આવનારા દિવસોમાં રાજ્યવ્યાપી જન આંદોલન શરૂ કરાશેઃ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા

સિટી ન્યૂઝ @ બનાસકાંઠા

બનાસકાંઠાના દાંતામાં કૉંગ્રેસના સ્થાનિક નવનિયુક્ત પદાધિકારીઓનો શપથ સમારોહ યોજાયો હતો. જેમાં સાંસદ ગેની બહેન ઠાકોરે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતર મળતું નથી, પણ દારૂ કે ફ્રુસની હોમ ડિલિવરી થાય છે. પોલીસને તમામ જાણકારી હોવા છતાં હપ્તા ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચે છે. જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે. આવનારા સમયમાં રાજ્યવ્યાપી જન આંદોલન કરાશે.
 
દાંતા ખાતે યોજાયેલા કૉંગ્રેસના મહા સંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપના બોલવા અને વર્તવામાં રાત-દિવસનો ફર્ક છે. બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતર મળતું નથી, પણ દારૂ કે ફ્રુસની હોમ ડિલિવરી થાય છે. પોલીસને તમામ જાણકારી હોવા છતાં હપ્તા ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચે છે.
 
સભાને સંબોધન કરતા ગેનીબેને કહ્યું દારૂના કારણે આપણા યુવાનો બરબાદ થાય છે, આપણી બહેન-દીકરીઓ વિધવા બને છે. આગામી સમયમાં આના વિરુદ્ધ ઝુંબેશ ઉપાડવી પડશે તો પત્ર અને બધા કાંતિભાઈ સાથે મળીને બોડેરો પર ઘેરાવો કરશું, તમે બધા સાથ-સહકાર આપશો તો આ મારી તૈયારી છે. બુટલેગરોનું લિસ્ટ ગૃહમંત્રીને આપવામાં આવે.
 
જો ગૃહમંત્રી આ દારૂના અક્કા બંધ નહીં કરાવે તો કૉંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવશે. હું તો અમિતભાઈ ચાવડાને અને કૉંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને રાજ્યમાં દેશી દારૂ-વિદેશી દારૂ અને ફ્રુસ વેચવાવાળા આ બધાનો સર્વે કરાવો. ધારાસભ્યોનું એક ડેલિગેશન જઈ મુખ્યમંત્રીને મળે કે તમારા રાજ્યમાં આટલા દેશી-ઈંગ્લિશના અક્કા છે, આ તમે બંધ કરાવો. અને બંધ નહીં કરાવ્યો તો કૉંગ્રેસ જનતા રેડ પાડીને આ યુવાનોને બરબાદીથી બચાવવા મોટેનું કામ કરશે.
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું પંખી છાતીની વાતો કરતા અને રાહુલ ગાંધી તથા કૉંગ્રેસ નેતાઓને ગાળો દેતા વડાપ્રધાન આજે દેશના યુવાનોનો અગાઉ ક્યારેય ન બાધી હોય તેટલી ગાળો ખાઈ રહ્યા છે. કુદરતના ઘેર દેર છે પણ અંધેર નથી. લોકસભાના સત્ર દરમિયાન ૧૯ દિવસમાં ગૃહમંત્રીને ગૃહમાં આવીને યુવાનોને જવાબ આપવાની હિંમત ચાલતી નથી.
 
પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર અને દારૂના વેપલા અંગે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે, જેને લઈને આવનાર સમયમાં રાજ્યવ્યાપી જન આંદોલન શરૂ કરવામાં આવશે. આ વિસ્તારમાં લોકોની લડતમાં કૉંગ્રેસે પૂરતો પ્રયાસ કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ૩૩૭ રોડ મંજૂર કરાવવામાં આવ્યા છે અને આવનારા સમયમાં જ્યાં પણ કામો બાકી છે તેને પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.