Loading Please Wait !!!
સૌરાષ્ટ્ર-કચ્છમાં કુદરતનો પ્રકોપ: ભારે પવન અને કરા સાથે માવઠાની આફત, ખેડૂતો ચિંતામાં મુકાયા!

  • પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 3 એપ્રિલે વધુ વરસાદની શક્યતા - વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી હવામાન પલટાયું
  • 26 એપ્રિલ બાદ પારો 43 ડિગ્રીને વટાવશે - અરબ સાગરમાં સિવિયર સાયક્લોન (ભારે વાવાઝોડા)ની પ્રબળ શક્યતા
  • હવામાન વિભાગની ચેતવણી: 30-40 કિમીની ઝડપે ફૂંકાશે પવન - અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ

ગુજરાતમાં ભરઉનાળે હવામાનનો મિજાજ બદલાયો છે. ખેડૂતો હજુ ગત માવઠાના આઘાતમાંથી બહાર આવ્યા નથી ત્યાં ફરી એકવાર ત્રીજા માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અને નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 12 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ અને આંધી-તોફાન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 સિસ્ટમ સક્રિય: 3 એપ્રિલ કટોકટીપૂર્ણ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અંબાલાલ પટેલના મતે, 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે. દ્વારકા, જામનગર અને રાજકોટના ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કરા પડવાની શક્યતા છે.

મે મહિનામાં વાવાઝોડાનો ખતરો આગાહીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અત્યારે ગરમીથી થોડી રાહત છે પણ 26 એપ્રિલ બાદ પારો 43 ડિગ્રીએ પહોંચશે. મે મહિનામાં અરબ સાગરમાં 'સિવિયર સાયક્લોન' એટલે કે ભારે વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. જો આ વાવાઝોડાનો માર્ગ ગુજરાત તરફ રહેશે તો મોટી તબાહી સર્જાઈ શકે છે. હાલમાં ખેડૂતોને તેમનો તૈયાર પાક સલામત સ્થળે ખસેડવા અને માર્કેટિંગ યાર્ડમાં પણ ખુલ્લામાં પડેલા જથ્થાને ઢાંકી દેવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં અત્યારે જણસીની આવક વધુ હોવાથી તંત્ર પણ સતર્ક બન્યું છે.