TAT પરીક્ષા પર 'ચૂંટણી'નું ગ્રહણ: 2.07 લાખ ઉમેદવારોની રાહ લંબાઈ, હવે 26 એપ્રિલને બદલે આ દિવસે લેવાશે કસોટી!
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે પરીક્ષા બોર્ડનો મોટો નિર્ણય - એક સપ્તાહ પાછી ઠેલાઈ શિક્ષક અભિરૂચિ કસોટી
- 26 એપ્રિલે મતદાન હોવાથી પરીક્ષા લેવી અશક્ય - 3 મેના રોજ રાજ્યભરમાં યોજાશે ટાટ માધ્યમિકની પરીક્ષા
- 2 લાખથી વધુ પરીક્ષાર્થીઓને અસર - જાહેરનામાની અન્ય તમામ જોગવાઈઓ અને નિયમો યથાવત રહેશે
ગુજરાતમાં સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવાનું સપનું જોતા બે લાખથી વધુ ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં જાહેર થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને કારણે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે TAT (શિક્ષક અભિરૂચિ કસોટી) સેકન્ડરીની તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. જે પરીક્ષા 26 એપ્રિલે યોજાવાની હતી, તે હવે એક સપ્તાહ મોડી એટલે કે 3 મેના રોજ લેવામાં આવશે.
ચૂંટણી અને પરીક્ષાનો ટકરાવ સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા 26 એપ્રિલે મતદાનની તારીખ જાહેર કરવામાં આવી છે. આ દિવસે મોટાભાગના સરકારી મકાનો, શાળાઓ અને કોલેજોનો ઉપયોગ મતદાન મથક તરીકે થતો હોય છે. વળી, શિક્ષકો અને વહીવટી સ્ટાફ પણ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોવાથી 2.07 લાખ ઉમેદવારોની પરીક્ષા લેવી વ્યવહારિક રીતે અશક્ય હતી. આથી, પરીક્ષા બોર્ડે ત્વરિત નિર્ણય લઈને પરીક્ષા પાછી ઠેલવી પડી છે.
ઉમેદવારોમાં મિશ્ર પ્રતિસાદ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ઉમેદવારોમાં આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક ઉમેદવારો માને છે કે તેમને રિવિઝન માટે વધારાના સાત દિવસ મળ્યા છે, જ્યારે કેટલાક ઉમેદવારો પરીક્ષા લંબાવાને કારણે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. નોંધનીય છે કે માત્ર માધ્યમિક જ નહીં, પરંતુ અનેક યુનિવર્સિટીઓની પરીક્ષાઓના સમયપત્રક પણ ચૂંટણીને કારણે ખોરવાયા છે. પરીક્ષા બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે માત્ર તારીખ જ બદલાઈ છે, અન્ય તમામ શરતો અગાઉના જાહેરનામા મુજબ જ રહેશે.