Loading Please Wait !!!
ગુજરાતના રાજકારણમાં 'લેટર વૉર': અરવિંદ કેજરીવાલનો CM ભૂપેન્દ્ર પટેલને પત્ર, ભાજપ પર લગાવ્યા ષડયંત્રના ગંભીર આક્ષેપ!

  • "10 હજાર કાર્યકરોની ધરપકડની યોજના છે" - ઈસુદાન ગઢવીની ધરપકડ બાદ કેજરીવાલે મુલાકાત માટે સમય માંગ્યો
  • મનોજ સોરઠિયાનો વીડિયો સંદેશ: "વિરોધ પક્ષને દબાવવાનો પ્રયાસ લોકશાહી માટે ખતરનાક" - 48 કલાકમાં ત્રણ શહેરોમાં બની ઘટનાઓ
  • ખંભાળિયા, પોરબંદર અને જામનગરની ઘટનાઓનો પત્રમાં ઉલ્લેખ - ભગવંત માન સાથે રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરી

ગુજરાતના શાંત રાજકારણમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે લખેલા એક પત્રએ વંટોળ ઉભો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખાયેલા આ પત્રમાં કેજરીવાલે અત્યંત આકરા શબ્દોમાં ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમનો દાવો છે કે ગુજરાતમાં વધતી 'આપ'ની લોકપ્રિયતાથી ડરીને ભાજપે પોલીસના જોરે કાર્યકરોને જેલમાં પૂરવાનું ષડયંત્ર રચ્યું છે.

પોલીસની 'ફિક્સ પેટર્ન' પર સવાલો કેજરીવાલે પત્રમાં છેલ્લા 48 કલાકની ત્રણ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે - ખંભાળિયા, પોરબંદર અને જામનગર. આ ત્રણેય કિસ્સાઓમાં એક નિશ્ચિત પેટર્ન હોવાનો આરોપ છે: અજાણ્યા શખ્સો કાર્યકરો સાથે ઝઘડો કરે, પોલીસ આવે અને તપાસ વગર પીડિત કાર્યકરો પર જ હત્યાના પ્રયાસ (307) જેવી ગંભીર કલમો લગાવી દે. કેજરીવાલના મતે, આ બધું પૂર્વ આયોજિત છે જેથી ચૂંટણી પહેલા કાર્યકરોમાં ડરનો માહોલ પેદા કરી શકાય.

ભાજપ-કોંગ્રેસની મિલીભગત અને 'આપ'નો પડકાર પત્રમાં કેજરીવાલે ફરી એકવાર જૂનો રાગ છેડ્યો છે કે છેલ્લા 30 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ મિલીભગતથી સરકાર ચલાવી રહ્યા હતા, પરંતુ 'આપ' ના આગમનથી હવે જનતાને મજબૂત વિકલ્પ મળ્યો છે. તેમણે સીધો પડકાર ફેંકતા કહ્યું કે, ભાજપે કામ કર્યું નથી એટલે દમન કરવું પડે છે, જ્યારે તેઓ પંજાબમાં કામના જોરે જીતે છે. આગામી દિવસોમાં જ્યારે કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના મુખ્યમંત્રીને મળવા આવશે, ત્યારે આ વિવાદ નવું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. રાજકોટના રાજકીય વિશ્લેષકો માને છે કે આ પત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માહોલ ગરમાવવા માટેનું મોટું હથિયાર સાબિત થઈ શકે છે.