Loading Please Wait !!!
ગ્રાઉન્ડ પર ગેરહાજર, સોશિયલ મીડિયામાં હાજર: મંત્રીઓને લાગ્યું ઇન્ફ્લુએન્સર બનવાનું ઘેલું

 

  • ગુજરાત સરકારના મંત્રીઓ પ્રજા વચ્ચે જવાને બદલે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવામાં વ્યસ્ત.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી વચ્ચે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની હોડ જામી.

  • મંત્રીઓએ પોતાની ડિજિટલ ઇમેજ સુધારવા માટે ખાનગી આઈટી અને પીઆર એજન્સીઓને કામ સોંપ્યું.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરવાને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર વધુ સક્રિય દેખાઈ રહ્યા છે. પ્રજાના દરબારમાં ગેરહાજર રહેતા મંત્રીઓ ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પળેપળની હાજરી નોંધાવી રહ્યા છે. લોકો વચ્ચે જઈને સમસ્યાઓ ઉકેલવી મંત્રીઓ માટે અઘરી બની રહી હોય તેમ લાગે છે, પરિણામે હવે તેઓ માત્ર ફોટા, નિવેદન અને રીલ્સ બનાવીને ઇન્ફ્લુએન્સર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે મંત્રીઓ અને જનતા વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને વિપક્ષ નબળો પડ્યો છે, પરંતુ ગ્રાઉન્ડ પર પ્રજાની સમસ્યાઓ ઠેરની ઠેર છે. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ અધિકારીઓ અને દલાલોનો અડ્ડો જામ્યો છે, જ્યાં પૈસા વગર કામ થતા નથી. પ્રાથમિક સુવિધાઓ માટે સામાન્ય જનતા વલખા મારી રહી છે, પરંતુ મંત્રીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર નાખતા લાગે છે કે ગુજરાતમાં વિકાસની ગંગા વહી રહી છે. વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવાને બદલે 'રૂપાળું ગુજરાત' બતાવવા માટે મંત્રીઓમાં રીતસરની હોડ જામી છે.

સૌથી મોટો સોશિયલ મીડિયા વોર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી વચ્ચે જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીની લોકપ્રિયતા વધારવા માટે સરકારી માહિતી વિભાગના અધિકારીઓ કામ કરી રહ્યા છે, ત્યારે હર્ષ સંઘવીએ ખાનગી પીઆર એજન્સીઓનો સહારો લીધો હોવાની ચર્ચા છે. 'હું જ ગુજરાતનો નાથ છું' એવો પ્રચાર કરવા પાછળ સંઘવી પળેપળ ડિજિટલ હાજરી નોંધાવી રહ્યા છે. આ હોડમાં ગ્રાઉન્ડ લેવલનો જનસંપર્ક ક્યાંક ખોવાઈ ગયો હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે ઉપસી રહ્યું છે.

આધુનિક જમાનામાં યુવા મતદારો સુધી પહોંચવા માટે સરકારે પોતાના મંત્રીઓ પર સોશિયલ મીડિયામાં સક્રિય રહેવાનું દબાણ વધાર્યું છે. ઘણા મંત્રીઓએ તો આઈટી કંપનીઓને જ ભાડે રાખી લીધી છે જેઓ તેમની પોસ્ટ, કેપ્શન અને વીડિયો એડિટિંગનું કામ કરે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે વધુ ફોલોઅર્સ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે નેતાગીરી માત્ર જનસેવા પર નહીં પણ ડિજિટલ પોપ્યુલારિટી પર નિર્ભર છે.

આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, ભાજપના નેતાઓમાં રિવાબા જાડેજા ઇન્સ્ટાગ્રામ પર 26 લાખ ફોલોઅર્સ સાથે મોખરે છે. જ્યારે ફેસબુક પર રિવાબા અને હર્ષ સંઘવી બંને 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. ટ્વિટર (X) પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 9.67 લાખ ફોલોઅર્સ સાથે સૌથી આગળ છે. જોકે, સવાલ એ ઉઠે છે કે સોશિયલ મીડિયા પરની આ મજબૂત પકડ શું પ્રજાના વાસ્તવિક પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થશે કે પછી મંત્રીઓ માત્ર વર્ચ્યુઅલ દુનિયાના જ રાજા બનીને રહી જશે?