ચૂંટણીનો ફિક્કો માહોલ: મોંઘવારીના ‘કરંટ’ સામે UCC અને મહિલા અનામત જેવા મુદ્દાઓ થયા નિષ્ફળ
-
લોકશાહીના ઉત્સવમાં મતદારોનો માનસિક થાક; નેતાઓની ભાષણબાજી હવે માત્ર મનોરંજનનું સાધન
-
યુદ્ધના ઓછાયા અને આર્થિક ડામાડોળ સ્થિતિ વચ્ચે મતદારોમાં નિરસતા; ભાજપ માટે પ્રચાર કરવો બન્યો લોઢાના ચણા ચાવવા જેવો
-
વિપક્ષ પણ એન્ટિ-ઇન્કમ્બન્સીનો લાભ લેવામાં નિષ્ફળ; ચાની કિટલીથી માંડીને મોટા વેપારમાં મંદીની અસર
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, પરંતુ આ વખતે રાજ્યમાં ચૂંટણીનો જોઈએ તેવો માહોલ જામતો નથી. પક્ષો દ્વારા વહેતા કરાયેલા મોટા મુદ્દાઓ સામે જનતાની ‘મોંઘવારી’ની વેદના ભારે પડી રહી છે. ઇઝરાયેલ, અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધને લીધે સર્જાયેલી વૈશ્વિક આર્થિક અસ્થિરતાની અસર હવે ગુજરાતના સામાન્ય નાગરિકના રસોડા સુધી પહોંચી છે.
મુદ્દાઓનું બાષ્પીભવન ભાજપ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ (UCC), અશાંતધારો અને મહિલા અનામત જેવા મુદ્દાઓ ગાજવીજ સાથે રજૂ કરાયા હતા, પરંતુ જમીની હકીકત એ છે કે મતદારોને આમાં રસ રહ્યો નથી. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તાધારી પક્ષ વિરોધી જુવાળ ઊભો કરવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું જણાય છે. મતદારોમાં પ્રવર્તતી નિરસતાને કારણે હવે રાજકીય પક્ષોને 'નોટા' (NOTA) ના મતો વધવાનો ડર સતાવી રહ્યો છે.
ભાષણબાજી હવે માત્ર મનોરંજન જ્યારે જનતાના મૂળભૂત પ્રશ્નો જેવા કે રાંધણગેસની અછત અને વેપાર-ધંધામાં મંદી વકરી રહી છે, ત્યારે નેતાઓની ભાષણબાજી જનતા માટે માત્ર મનોરંજનનું સાધન બની ગઈ છે. પ્રચાર સભાઓમાં ભીડ એકઠી કરવી મુશ્કેલ બની રહી છે અને જ્યાં નેતાઓ પહોંચે છે ત્યાં જનતાનો રોષ હુરિયા સ્વરૂપે જોવા મળે છે. આ શુષ્ક માહોલમાં ઉમેદવારો હવે વિકાસની વાતો કરવાને બદલે વ્યક્તિગત આક્ષેપો અને શબ્દોની હલકાઈ પર ઉતરી આવ્યા છે.