Loading Please Wait !!!
ભાજપની નવી યાદીમાં મોટો પલટો: 23 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી ખેલ્યો 'માસ્ટરસ્ટ્રોક'!

  • ગાંધીનગર, પાટણ અને નર્મદાના ઉમેદવારો જાહેર – ફોર્મ ભરવાના અંતિમ દિવસ પૂર્વે રાજકીય ગરમાવો
  • ધોળકામાં સૌથી વધુ 8 મુસ્લિમ ઉમેદવાર – પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ભાજપની રણનીતિ બદલાઈ
  • દહેગામ, વિરમગામ અને ધંધુકામાં ભાજપનું નવું સમીકરણ – પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અંતે ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા તેજ બનાવી છે. આજે ભાજપ દ્વારા ગાંધીનગર, પાટણ અને નર્મદા જિલ્લાના વિવિધ તાલુકા અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે, ભાજપે અત્યાર સુધીમાં કુલ 23 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે, જે ભાજપની પરંપરાગત રણનીતિમાં મોટો બદલાવ સૂચવે છે.

અમદાવાદના પાલડી વિસ્તારમાં અગાઉ કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર સામે વિરોધ નોંધાવનાર ભાજપે જિલ્લા સ્તરે લઘુમતી કાર્ડ ખેલ્યું છે. સૌથી વધુ ધોળકા નગરપાલિકામાં 8 મુસ્લિમ ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત સિદ્ધપુરમાં 4, વિરમગામ અને દહેગામમાં 3-3 તેમજ કલોલ નગરપાલિકામાં 2 મુસ્લિમ ઉમેદવારો પર પસંદગીની કળશ ઢોળવામાં આવી છે. તાલુકા પંચાયતોમાં પણ સાણંદ, ધંધુકા અને વિરમગામમાં 1-1 મુસ્લિમ ઉમેદવારને ભાજપે પક્ષના પ્રતીક પર ચૂંટણી લડવાની તક આપી છે.

ચૂંટણી પંચના જાહેરનામા મુજબ, આવતીકાલે એટલે કે 11 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. સમય ઓછો હોવા છતાં હજુ પણ ભાજપ અને કોંગ્રેસના આશરે 17 હજાર જેટલા ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. એવી શક્યતા છે કે બપોર સુધીમાં બાકી રહેલા તમામ જિલ્લાઓના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવશે, જેથી ઉમેદવારો સમયસર ફોર્મ ભરી શકે.

રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ દ્વારા મુસ્લિમ ઉમેદવારોને પ્રાધાન્ય આપવું એ કોંગ્રેસની વોટબેંકમાં સેંધ મારવાનો પ્રયાસ હોઈ શકે છે. ખાસ કરીને પાલિકા વિસ્તારોમાં જ્યાં લઘુમતી મતો નિર્ણાયક છે, ત્યાં ભાજપે 'સૌનો સાથ, સૌનો વિકાસ' ના મંત્રને ચૂંટણી રણનીતિમાં અમલી બનાવ્યો છે. પાટણના સિદ્ધપુર અને ગાંધીનગરના કલોલ જેવા વિસ્તારોમાં આ પ્રયોગ કેટલો સફળ રહેશે તે તો પરિણામો જ કહેશે, પરંતુ હાલમાં ભાજપના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પાલિકાઓ માટે પણ ભાજપ દ્વારા ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. બંને પક્ષોમાં ટિકિટ ન મળવાને કારણે આંતરિક અસંતોષ ન ફેલાય તે માટે મોવડીમંડળ અત્યંત સાવચેતીપૂર્વક નામોની પસંદગી કરી રહ્યું છે. અત્યારે રાજ્યભરની કલેક્ટર કચેરીઓ અને પ્રાંત કચેરીઓ ખાતે ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જે લોકશાહીના આ પર્વનો ઉત્સાહ દર્શાવે છે.