Loading Please Wait !!!
ચૂંટણી જંગ પહેલા ઉમેદવારોને મોટી રાહત: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખર્ચ મર્યાદા ₹6 લાખથી વધારી ₹9 લાખ કરાઈ!

  • રાજ્ય ચૂંટણી પંચનો મોટો નિર્ણય - મોંઘવારી અને સોશિયલ મીડિયાના જમાનામાં પ્રચાર માટે હવે છૂટો હાથ મળશે
  • જિલ્લા પંચાયતના ઉમેદવારો હવે ₹6 લાખ સુધી કરી શકશે ખર્ચ - 2021ના જૂના નિયમોમાં પંચે કર્યો સુધારો
  • પ્રચારના બદલાતા સાધનોને ધ્યાને રાખી ચૂંટણી પંચનો એક્શન પ્લાન - ઉમેદવારોની લાંબા સમયની માંગ સ્વીકારાઈ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારો માટે દિવાળી જેવો માહોલ સર્જ્યો છે. પ્રચારમાં વપરાતા સાધનો, વાહનોનું ભાડું અને ખાસ કરીને સોશિયલ મીડિયા એડવર્ટાઈઝિંગના વધતા ખર્ચને ધ્યાને રાખીને પંચે ઉમેદવાર દીઠ ખર્ચની મર્યાદામાં ધરખમ વધારો કર્યો છે. 2021 પછી પહેલીવાર આ મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેનાથી હવે ઉમેદવારો વધુ આક્રમક રીતે પ્રચાર કરી શકશે.

શા માટે વધારાઈ મર્યાદા? છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારીનો આંકડો સતત વધ્યો છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માત્ર 6 લાખની મર્યાદામાં પ્રચાર કરવો ઉમેદવારો માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાથી લઈને ડિજિટલ માર્કેટિંગ અને રેલીઓના ખર્ચમાં થયેલા વધારાને કારણે રાજકીય પક્ષો દ્વારા મર્યાદા વધારવાની માંગ સતત કરવામાં આવતી હતી. આ નિર્ણયથી નાના સ્તરના ઉમેદવારોને પણ મોટા સ્તરના પ્રચાર માટે સમાન તક મળશે.

હિસાબમાં રાખવી પડશે સાવચેતી ખર્ચ મર્યાદા ભલે વધી હોય, પરંતુ ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે દરેક ઉમેદવારે પોતાના ખર્ચનો દૈનિક હિસાબ રજિસ્ટરમાં રાખવો પડશે. ચૂંટણી પૂરી થયા બાદ નિર્ધારિત સમયમાં આ હિસાબ પંચને જમા કરાવવો ફરજિયાત છે. જો કોઈ ઉમેદવાર મર્યાદા કરતા વધુ ખર્ચ કરતા ઝડપાશે અથવા ખોટો હિસાબ આપશે, તો તેને ગેરલાયક ઠેરવવા સુધીના કડક પગલાં લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના જંગમાં ઉતરનારા મુરતિયાઓ માટે આ ₹9 લાખની નવી સીમા એક મોટી રાહત સાબિત થશે.