Loading Please Wait !!!
RTI હેઠળ ગ્રામસભાના સભ્યોની સહી જાહેર ન કરી શકાય: માહિતી આયોગ

  • વ્યક્તિગત ગોપનીયતા અને છેતરપિંડીના જોખમને ધ્યાને રાખી આયોગનો ઐતિહાસિક ચુકાદો
  • નાણાકીય છેતરપિંડીની શક્યતાઓને ટાંકીને અરજી ફગાવી, ગોપનીયતાનું રક્ષણ અનિવાર્ય
  • RTI ની કલમ 8(1)(j) હેઠળ સહી જાહેર કરવા સામે આયોગની સ્પષ્ટતા

સિટી ન્યુઝ @ ગાંધીનગર

માહિતીના અધિકાર (RTI) કાયદાના દુરુપયોગને રોકવા માટે ગુજરાત માહિતી આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપવામાં આવ્યો છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે ગ્રામસભા કે સામાન્ય સભામાં હાજર રહેલા સભ્યોની સહી સહિતની વ્યક્તિગત વિગતો અન્ય કોઈપણ ત્રાહિત વ્યક્તિને જાહેર કરી શકાય નહીં. આ ચુકાદો આણંદ જિલ્લાના અડાસ ગામના એક અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી અપીલ પર સુનાવણી દરમિયાન મુખ્ય માહિતી કમિશનર ડો. સુભાષ સોની દ્વારા આપવામાં આવ્યો છે.

અરજદાર રમણભાઈ પરમારે 20 મે, 2025 ના રોજ યોજાયેલી ગ્રામસભાના સભ્યોની સહીવાળી વિગતોની માગણી કરી હતી. જોકે, આયોગે આ મામલે કાનૂની જોગવાઈઓનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે, કોઈપણ નાગરિકની સહી એ તેની સંપૂર્ણ વ્યક્તિગત માહિતીની શ્રેણીમાં આવે છે. આ પ્રકારની માહિતીને જાહેર કરવાથી વ્યક્તિગત ગોપનીયતા (Privacy) જોખમાય છે. આયોગે વધુમાં સ્પષ્ટ કર્યું કે આજના સમયમાં સહીનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કે બેંકિંગ ક્ષેત્રે મોટા પાયે છેતરપિંડી થવાની સંભાવના રહેલી છે, જે કાયદાના હેતુથી વિપરીત છે.

આયોગે RTI કાયદાની કલમ 8(1)(j) નો હવાલો આપીને જાહેર કર્યું છે કે, આવી સંવેદનશીલ માહિતી જાહેર કરવા માટે કોઈ પણ સત્તાધિકારીને ફરજ પાડી શકાય નહીં. આ ચુકાદાથી હવે ભવિષ્યમાં સહીના દુરુપયોગ દ્વારા થતી નાણાકીય છેતરપિંડી જેવી ગંભીર ઘટનાઓને રોકવામાં મદદ મળશે. વ્યક્તિગત ગોપનીયતા અને માહિતીના અધિકાર વચ્ચે સંતુલન જાળવવાના આદેશને પારદર્શિતા અને નાગરિક સુરક્ષાની દ્રષ્ટિએ એક ઐતિહાસિક પગલું ગણવામાં આવી રહ્યું છે.

વ્યક્તિગત ગોપનીયતાનું મહત્વ

માહિતીનો અધિકાર એ પારદર્શિતા લાવવા માટેનું એક સશક્ત સાધન છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે અન્ય વ્યક્તિના મૂળભૂત અધિકારો કે ગોપનીયતાનું ઉલ્લંઘન કરે. આયોગનો આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે જ્યારે માહિતીનો ઉપયોગ કોઈની આર્થિક સુરક્ષાને જોખમમાં મૂકવા માટે થઈ શકે તેમ હોય, ત્યારે આવી માહિતી જાહેર ન કરવી તે જ હિતમાં છે. નાગરિકોની સહી એ માત્ર એક નિશાની નથી, પરંતુ તેની નાણાકીય ઓળખ છે, જેનું રક્ષણ કરવું એ ન્યાયિક અને વહીવટી તંત્રની જવાબદારી છે.