Loading Please Wait !!!
હાઈકોર્ટનો GPSC પર પ્રહાર: "તમારા ચેરમેન-સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ ઊંચો છે", 7મી એપ્રિલે રૂબરૂ હાજર થવા આદેશ!

  • 1915ના 'કૌટિલ્ય અર્થશાસ્ત્ર' પુસ્તકના પ્રશ્નો મામલે જસ્ટિસ નિર્ઝર દેસાઈ લાલચોળ - વારંવારના આદેશ છતાં જવાબ ન આપતા ખંડપીઠે લીધો ઉધડો
  • પરીક્ષાના પ્રશ્નોના સ્ત્રોત અંગે ચાલી રહ્યો છે મોટો વિવાદ - એડવોકેટ જનરલ અને ગવર્મેન્ટ પ્લીડરને પણ હાજર રહેવા તાકીદ
  • ઓનલાઇન માહિતીની અધિકૃતતા કોણ નક્કી કરે છે? હાઈકોર્ટના પાયાના સવાલો પર GPSC નું મૌન ભારે પડ્યું

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો અને તેની આન્સર-કી મામલે ચાલી રહેલા વિવાદે હવે ગંભીર વળાંક લીધો છે. ગુજરાત હાઈકોર્ટના વારંવારના આદેશોનું પાલન ન કરવા બદલ જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ GPSC ના વડાઓ સામે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. કોર્ટરૂમમાં સુનાવણી દરમિયાન જસ્ટિસે માર્મિક રીતે કહ્યું કે, "તમારા ચેરમેન અને સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધુ ઊંચો છે."

વિવાદનું મૂળ: 1915 નું પુસ્તક અને ઓનલાઇન PDF આ કેસ ત્યારે શરૂ થયો જ્યારે એક ઉમેદવારે રિટ અરજી કરીને GPSC ની આન્સર-કીને પડકારી હતી. કમિશને દાવો કર્યો હતો કે પ્રશ્નો 1915 માં પ્રકાશિત 'કૌટિલ્ય અર્થશાસ્ત્ર' પુસ્તકમાંથી લેવાયા છે. હાઈકોર્ટે ત્રણ વખત પૃચ્છા કરી હતી કે, શું કમિશન પાસે આ પુસ્તકની ભૌતિક નકલ છે? અને જો પ્રશ્નો ઇન્ટરનેટ પરની પીડીએફમાંથી લેવાયા હોય, તો તેની સત્તાવાર નીતિ શું છે? આટલા પાયાના સવાલોનો જવાબ ન મળતા કોર્ટે તેને અદાલતી તિરસ્કાર (Contempt of Court) સમાન ગણાવ્યો છે.

7મી એપ્રિલે આરપારનો જંગ હાઈકોર્ટે હવે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે આગામી 7મી એપ્રિલે GPSC ના ચેરમેન અને સેક્રેટરીએ રૂબરૂ કોર્ટમાં હાજર થઈને ખુલાસો કરવો પડશે. જો સંતોષકારક જવાબ નહીં મળે, તો કેસને કન્ટેમ્પ્ટ કોર્ટમાં મોકલી દેવામાં આવશે. આ હુકમથી સરકારી વહીવટી તંત્રમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટના સેંકડો ઉમેદવારો જેઓ GPSC ની પરીક્ષા આપે છે, તેમની નજર પણ આ કેસ પર મંડાયેલી છે કારણ કે આ ચુકાદો ભવિષ્યની પરીક્ષાઓની પારદર્શિતા અને પ્રશ્નો પૂછવાની પદ્ધતિ પર મોટી અસર પાડશે.