Loading Please Wait !!!
કામદારોના હિતમાં ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: નોકરીએ જવા કે ઘરે પરત ફરતી વખતે થતો અકસ્માત પણ ‘ઓન ડ્યુટી’ ગણાશે

 

  • રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણના આધારે પરિવારજનો વળતર મેળવવા હકદાર; વીમા કંપનીઓની દલીલો હાઇકોર્ટે ફગાવી

  •  જસ્ટિસ જે.સી. દોશીએ ૨૨ વર્ષ જૂના કેસમાં સુરતના પરિવારને અપાવ્યો ન્યાય; વીમા કંપનીને આકરો દંડ

  • વર્કમેન કમિશનરને તાત્કાલિક રકમ ચૂકવવા હુકમ; કાયદાકીય મડાગાંઠ ઉકેલી કોર્ટે માનવીય અભિગમ અપનાવ્યો

    અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે કર્મચારીઓ અને શ્રમજીવીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે ઠરાવ્યું છે કે, જો કોઈ કર્મચારીનું નોકરીના સ્થળે પહોંચતા પહેલા અથવા કામ પૂરું કરીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય, તો તેને ‘ચાલુ ફરજ’ (On Duty) દરમિયાન જ થયેલું મૃત્યુ ગણવામાં આવશે. આ સાથે જ મૃતકના પરિવારજનો ‘કર્મચારી વળતર અધિનિયમ’ હેઠળ વળતર મેળવવા માટે હકદાર ઠરશે.

    ૨૨ વર્ષ બાદ સુરતના પરિવારને ન્યાય આ કેસની વિગતો મુજબ, સુરતમાં સાલાસર પોલીટેક્સમાં ડિલીવરી ક્લાર્ક તરીકે કામ કરતા વિજયકુમાર વાંકાલાનું વર્ષ ૨૦૦૨માં નોકરી પૂરી કરી ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. ૨૦૦૬માં વર્કમેન કમિશનરે વ્યાજ અને પેનલ્ટી સાથે વળતર ચૂકવવા આદેશ કર્યો હતો, જેને વીમા કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. વીમા કંપનીની દલીલ હતી કે કર્મચારી તે સમયે ‘ઓન ડ્યુટી’ ન હતા.

    કોર્ટના મહત્વના અવલોકનો જસ્ટિસ જે.સી. દોશીએ વીમા કંપનીની દલીલો ફગાવતા સ્પષ્ટ કર્યું કે, ‘નોશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ’ ના સિદ્ધાંત મુજબ નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો જ ભાગ છે. હાઇકોર્ટે આકરા વલણ સાથે વીમા કંપનીની અપીલ ફગાવી દીધી છે અને વર્કમેન કમિશનરને આદેશ આપ્યો છે કે જમા થયેલી વળતરની રકમ (અંદાજે ૪.૩૨ લાખથી વધુ) વારસદારોને તાત્કાલિક ચૂકવી દેવામાં આવે.