Loading Please Wait !!!
"ગુજરાતમાં અશાંત ધારો હવે 'નિદ્રિષ્ટ વિસ્તાર' કાયદો બનશે: સરકારનો મોટો નિર્ણય"

 

  • નામમાં ફેરફાર: કાયદામાં જ્યાં પણ 'અશાંત વિસ્તાર' શબ્દ છે, ત્યાં હવે 'નિદ્રિષ્ટ (Specified) વિસ્તાર' લખવામાં આવશે.

  • લોન સુવિધા: કલમ 9 હેઠળના સુધારાથી અશાંત વિસ્તારમાં મિલકત ગીરો મૂકીને લોન લેનારાઓને પડતી મુશ્કેલીઓ દૂર થશે.

  • નવી સમિતિઓ: દેખરેખ માટે મોનિટરિંગ અને એડવાઇઝરી કમિટી તથા મદદ માટે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના થશે.

ગાંધીનગર: ગુજરાતના અનેક શહેરોમાં અમલી એવા 'અશાંત વિસ્તાર ધારા' (Disturbed Areas Act) માં રાજ્ય સરકાર દ્વારા ક્રાંતિકારી ફેરફારો કરવાની તૈયારી કરવામાં આવી છે. રાજ્યના મહેસુલ મંત્રી સંજયસિંહ મટિડા આગામી સપ્તાહમાં વિધાનસભા ગૃહમાં આ અંગેનું સુધારા વિધેયક રજૂ કરશે. આ નવા ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય તંગદિલીવાળા વિસ્તારોમાં મિલકતોના બળજબરીપૂર્વક થતા વેચાણને અટકાવવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે.

નવા સુધારા મુજબ, કાયદાની કલમ 17 સિવાય જ્યાં પણ 'અશાંત વિસ્તાર' શબ્દનો ઉલ્લેખ છે, તેના સ્થાને હવે 'નિદ્રિષ્ટ (Specified) વિસ્તાર' શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. આ ફેરફાર માત્ર શાબ્દિક નથી, પરંતુ તેની પાછળ વહીવટી પ્રક્રિયાઓને વધુ પારદર્શક બનાવવાનો હેતુ છે. ખાસ કરીને કલમ 9 હેઠળ કરવામાં આવેલા સુધારાથી એવા મિલકતધારકોને મોટી રાહત મળશે જેઓ પોતાની પ્રોપર્ટી ગીરો મૂકીને બેંક લોન કે ધિરાણ મેળવવા ઈચ્છે છે, જે અત્યાર સુધી જટિલ પ્રક્રિયાને કારણે મુશ્કેલ હતું.

કાયદામાં દેખરેખ વધારવા માટે એક વિશેષ સલાહકાર સમિતિ અને SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની દરખાસ્ત પણ કરવામાં આવી છે. આ ટીમો કલેક્ટરને પ્રોપર્ટી વેચાણની મંજૂરી આપવામાં મદદ કરશે અને જે વિસ્તારો લાંબા સમયથી સંવેદનશીલ છે તેનો અભ્યાસ કરી સરકારને રિપોર્ટ સોંપશે. આ ઉપરાંત, મિલકતની તબદીલી વખતે માત્ર ખરીદનાર અને વેચનાર જ નહીં, પરંતુ તે વિસ્તારમાં વસતા અન્ય રહીશો એટલે કે 'થર્ડ પાર્ટી'ના અભિપ્રાયને પણ મહત્વ આપવામાં આવી શકે છે.

સૌથી કડક જોગવાઈ જિલ્લા કલેક્ટરની સત્તામાં કરવામાં આવી છે. જો કોઈ વિસ્તારમાં કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ મિલકત ટ્રાન્સફર થઈ હોય અથવા કોઈ વ્યક્તિએ ગેરકાયદે કબજો જમાવ્યો હોવાનું માલૂમ પડશે, તો કલેક્ટર તે મિલકતનો કામચલાઉ કબજો પોતે સંભાળી શકશે. અસરગ્રસ્ત વ્યક્તિની ફરિયાદ અથવા કલેક્ટર પોતે 'સુઓ મોટો' (આપમેળે) સંજ્ઞાન લઈને આવી કાર્યવાહી કરી શકશે. સરકારનો આ નિર્ણય રાજ્યમાં મિલકતોની ગેરકાયદે તબદીલી રોકવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.