દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત: ગુજરાત સરકાર દ્વારા 5 સભ્યોની કમિટી ગઠિત
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સામાન્ય વહીવટ વિભાગે 5 સભ્યોની કમિટી રચી
-
મુખ્ય સચિવ ઉપરાંત GAD, કાયદા અને સામાજિક ન્યાય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સભ્ય બન્યા
-
કેન્દ્ર સરકારની નીતિઓ તેમજ સુપ્રીમ-હાઇકોર્ટના ચુકાદાઓનો તુલનાત્મક અભ્યાસ થશે
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાત સરકારે રાજ્યના દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતી (પ્રમોશન) માં અનામતનો લાભ આપવા અંગે યોગ્ય નીતિ ઘડવાની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ સમગ્ર વિષય પર સર્વગ્રાહી અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે 5 સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે. આ સમિતિના વિગતવાર અહેવાલ અને ભલામણોના આધારે રાજ્ય સરકાર આખરી નિર્ણય લેશે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ રચાયેલી આ સમિતિના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્ય સચિવને જવાબદારી સોંપવામાં આવી છે. આ કમિટીમાં સામાન્ય વહીવટ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ કાયદા વિભાગના ઉચ્ચ સચિવ કક્ષાના અધિકારીઓ ઉપરાંત રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરીના કમિશનરનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉચ્ચસ્તરીય સમિતિ રાજ્ય સરકારની સેવાઓ અને વિવિધ સંવર્ગની જગ્યાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓને બઢતીમાં અનામત આપવા અંગેની પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ કરશે. આ સાથે જ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાઓ તેમજ સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટ દ્વારા અપાયેલા મહત્વપૂર્ણ ચુકાદાઓનું બારીકાઈથી પરીક્ષણ કરવામાં આવશે.
આ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા માટે કઈ પ્રકારની વ્યવસ્થા અમલમાં છે અને તેનો અમલ કેવી રીતે થઈ રહ્યો છે તેનો પણ તુલનાત્મક અભ્યાસ કરાશે. સમિતિ દ્વારા અનામતની યોગ્ય ટકાવારી, કાયદાકીય માળખું અને અમલીકરણની પ્રક્રિયા સહિતના તમામ મહત્વપૂર્ણ પાસાઓ અંગે સ્પષ્ટ ભલામણો કરવામાં આવશે.
સરકાર દ્વારા સમિતિને તેની કામગીરી માટે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ કે કચેરી પાસેથી જરૂરી માહિતી, દસ્તાવેજો અને કાયદાકીય અભિપ્રાય મેળવવાની વિશેષ સત્તા આપવામાં આવી છે. નિર્ધારિત સમયમર્યાદામાં સમિતિ પોતાનો અહેવાલ સરકારને સુપરત કરશે, જેનાથી રાજ્યના હજારો દિવ્યાંગ કર્મચારીઓમાં કારકિર્દીમાં સમાન તકો મેળવવા અંગે મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દિવ્યાંગોને બઢતીમાં અનામત માટે સમિતિ રચાઈ
ગુજરાત સરકારે દિવ્યાંગ કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવા મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 5 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ રચી છે. આ કમિટી કેન્દ્રની નીતિઓ, કોર્ટના ચુકાદાઓ અને અન્ય રાજ્યોની સિસ્ટમનો તુલનાત્મક અભ્યાસ કરશે. સમિતિ અનામતની ટકાવારી અને કાયદાકીય અમલ અંગે ભલામણો કરશે, જેના આધારે રાજ્ય સરકાર આખરી નીતિ ઘડશે.