સિગ્નલ પર વાહન ઉભું રહેતા જ ડુપ્લિકેટ નંબર પ્લેટ, ઈ-ચલણ ડિસ્પ્લેમાં દેખાશે
- રાજકોટમાં કેશ ફ્રી પ્રોજેક્ટ અમલી થશે
- જિલ્લા પંચાયત ચોકથી પાઈલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક, સુદઢ અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત 'કેશ ફ્રી પ્રોજેક્ટ' હાથ ધવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ જો કોઈ વાહનનું ઈ-ચલણ બાકી હશે, વીમો કે PUC નહીં હોય અથવા ડુપ્લિકેટ નંબર પ્લેટ હશે, તો તે વાહન સિગ્નલ પર ઊભું રહેશે, ત્યારે ડિજિટલ ડિસ્પ્લે પર તેની વિગતો જાહેર થશે.
રાજકોટના 'જોઇન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક અને ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આગામી એક માસમાં શહેરના વ્યસ્ત જિલ્લા પંચાયત ચોક ખાતે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે. દિલ્હીની 'કેશ ફ્રી ઇન્ડિયા' NGO ના સહયોગથી આ સિસ્ટમ કાર્યરત થશે. નોઈડા અને જયપુર બાદ રાજકોટ આ પ્રકારની ટેક્નોલોજી અપનાવનાર દેશનું ત્રીજું અને ગુજરાતનું પ્રથમ શહેર બનશે. જંક્શન/રફલથી આશરે ૧૦૦ મીટર દૂરથી જ હાઇટેક કેમેરા અને સેન્સર્સ દ્વારા વાહનની નંબર પ્લેટ ઓટોમેટિક સ્કેન થઈ જશે. સ્ટેરિંગ બાદ વાહન સિગ્નલ પર પહોંચતા જ નંબર પ્લેટ અને બાકી દસ્તાવેજો/ચલણની વિગતો સ્ક્રીન પર દેખાશે. શરૂઆતી તબક્કામાં ૧૦ કે તેથી વધુ ઈ-ચલણ બાકી ધરાવતા વાહનચાલકોની નંબર પ્લેટ ડિસ્પ્લેમાં દર્શાવવામાં આવશે. જિલ્લા પંચાયત ચોક ખાતે આ સિસ્ટમના સફળ મૂલ્યાંકન બાદ શહેરના અન્ય મુખ્ય ટ્રાફિક જંક્શનો પર પણ આ ડિજિટલ ડિસ્પ્લે સિસ્ટમ અમલમાં મુકાશે, જેથી અકસ્માતો નિવારી શકાય અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવી શકાય. આ નવી વ્યવસ્થાથી પોલીસ અને વાહનચાલકો વચ્ચે થતી માથાકૂટનો અંત આવશે. સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોગેટેડ હોવાથી કોઈ પણ પ્રકારની માનવીય ભૂલને અવકાશ રહેશે નહીં. વાહનચાલકોએ હવે રસ્તા પર નીકળતા પહેલા પોતાના વાહનનો પીયુસી કઢાવ્યો છે કે નહીં, પીયુસી માન્ય છે કે નહીં અને કોઈ જૂનું ઈ-ચલણ બાકી તો નથી ને, તેની ખાસ ચકાસણી કરવી પડશે. ડિજિટલ યુગમાં રાજકોટ પોલીસનું આ કદમ શહેરને સ્માર્ટ અને સુરક્ષિત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ હાઇટેક ડિજિટલાઈઝેશન પ્રોજેક્ટની શરૂઆત સૌપ્રથમ પ્રાયોગિક ધોરણે શહેરના વ્યસ્ત એવા જિલ્લા પંચાયત ચોક પોઈન્ટ પરથી કરવામાં આવી છે.