નાના મૌવા સર્કલ વિકાસની રાહ જોવે છે !
- જીવલેણ ખાડો, છતાં RMC માંગે છે લેખિતમાં અરજી
- ઓનલાઈન અરજી કરવામાં આવી પણ તંત્ર હરકતમાં આવતું નથી
- સિલ્વર હાઈટ્સ પાસે રોડ ઉપર ગોલાઈમાં ડામર રોડ વચ્ચે અડધોથી પોણો ફૂટનો ડિફરન્સ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના હાર્દ સમાન ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સિલ્વર હાઈટ્સ પાસે રોડની ગોલાઈ અને ડામર રોડ વચ્ચે અડધોથી પોણા ફૂટનો મોટો ડિફરન્સ (ખાડો) પડી ગયો છે. આ સામાન્ય દેખાતી પરંતુ ગંભીર જાગીના કારણે ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ડાબી વળતા વાહનચાલકો આ ગોલાઈમાં ફસાઈ જાય છે, જેને પગલે અહીં ટ્રાફિકજામની સમસ્યા હવે કાયમી બની ગઈ છે અને કોઈ મોટો અકસ્માત સર્જાવાનો ભય સતત તોલાઈ રહ્યો છે. એક તરફ સરકાર 'ડિજિટલ ઇન્ડિયા' અને 'ડિજિટલ ગુજરાત'ના ભાષણો ફુંકે છે, તો બીજી તરફ સ્થાનિક તંત્રની કામગીરી સાવ ગોકળગાય ગતિએ ચાલી રહી છે. સ્થાનિક જાગૃત નાગરિકોની ફરિયાદ મુજબ, મહાનગરપાલિકાના અધિકારીઓ આ જીવલેણ ગોલાઈનું બે ત્રણ વાર રૂબરૂ નિરીક્ષણ કરી ગયા છે. છતાં, તાત્કાલિક સમારકામ શરૂ કરવાને બદલે તેઓ હજુ પણ નાગરિકો પાસે 'લેખિત અરજી'ની માંગણી કરી રહ્યા છે.
આ સીધો જ સવાલ ઉભો કરે છે કે શું તંત્રને લોકોના જીવ કરતા કાગળિયાં અને પ્રક્રિયાઓ વધુ વહાલા છે? આટલી સ્પષ્ટ અને નજરે દેખાતી જામીને તાત્કાલિક ધોરણો દૂર કરવાના બદલે વહીવટી પ્રક્રિયાઓના નામે સમય વેડફવામાં આવી રહ્યો છે. જો આ સામાન્ય સમારકામ માટે પણ પ્રજાએ જ અરજીઓને લઈને ઓફિસોના ધક્કા ખાવાના હોય, તો પછી સ્માર્ટ સિટીનો અર્થ જ શું રહ્યો? નાગરિકોમાં ઉગ્ર રોષ છે કે તંત્રની આ ભીંડી નીતિ ચાલુ રહી, તો આ સામાન્ય ફરિયાદના નિકાલમાં જ એક મહિનો નીકળી જશે. હવે જોવાનું એ રહે છે કે લોકોનો જીવ જાય તે પહેલા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે છે કે કેમ.