જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે બબાલ: સ્થાનિક શખ્સ લાકડી લઈ અરજદાર પાછળ દોડ્યો
-
ઝાંઝરડા રોડ પર ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે 6 મીટરનો રસ્તો સાંકડો કરી દેવાયો હતો
-
અરજદાર વિરેન્દ્ર શાહની ઓનલાઇન ફરિયાદ બાદ મનપાની ટીમ કામગીરી કરવા પહોંચી
-
સ્થાનિક રહીશોએ ખાર રાખી અરજદારને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલા ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ નજીક જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણને દૂર કરવાની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશો અને અરજદાર વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી તેમજ ઘર્ષણ સર્જાતાં વાતાવરણ તંગ બની ગયું હતું. આ વિસ્તારમાં આવેલા આશરે 6 મીટર પહોળા જાહેર રસ્તા પર સ્થાનિક રહીશ દ્વારા સિમેન્ટનો પાકો ઢાળ બનાવી દેવામાં આવતાં રસ્તો અત્યંત સાંકડો બની ગયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.
આ ટ્રાફિક અને દબાણની ગંભીર સમસ્યા અંગે સ્થાનિક અરજદાર વિરેન્દ્ર શાહે 2 મહિના અગાઉ જૂનાગઢ મહાનગરપાલિકામાં ઓનલાઇન પોર્ટલ મારફતે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ લેખિત અરજી અને રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈને મનપાની દબાણ શાખાની ટીમ જેસીબી અને સ્ટાફ સાથે સ્થળ પર દબાણ દૂર કરવા માટે પહોંચી હતી.
દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં જ એપાર્ટમેન્ટના કેટલાક સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેમણે અરજદાર વિરેન્દ્ર શાહ સામે ખાર રાખીને ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં વિવાદ એટલો વણસી ગયો કે સ્થાનિકો ગાળાગાળી કરીને ધમકીઓ આપવા લાગ્યા હતા. આ દરમિયાન એક સ્થાનિક રહીશ હાથમાં લાકડી લઈને ખુલ્લેઆમ અરજદારને મારવા માટે પાછળ દોડ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
અરજદાર વિરેન્દ્ર શાહે આક્ષેપ કર્યો હતો કે જાહેર રસ્તાના દબાણ અંગે ફરિયાદ કરી હોવાથી સ્થાનિકોએ એકસંપ થઈને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પોલીસની હાજરી વચ્ચે થયેલા આ હુમલાના પ્રયાસ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર વિનેશ હદવાણીએ ઘટનાસ્થળે પહોંચીને બંને પક્ષો સાથે વાતચીત કરી શાંતિ જાળવવા અપીલ કરી હતી.
મનપા દબાણ શાખાના અધિકારી એચ. કે. સોંદરવાએ જણાવ્યું હતું કે 6 મીટરના રસ્તા પર ગેરકાયદે ઢાળ બનાવી રસ્તો રોકનાર આસામીને અગાઉ 2 વખત કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. નોટિસ છતાં દબાણ ન હટાવાતાં આખરે નિયમ મુજબ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે તાત્કાલિક પોલીસ કાફલો દોડી આવતાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી.
જૂનાગઢમાં દબાણ હટાવતી વખતે લાકડી લઈ હુમલો
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર 6 મીટરના રસ્તા પર બનાવેલો ગેરકાયદે ઢાળ તોડવા ગયેલી મનપા ટીમ સામે હોબાળો થયો હતો. 2 મહિના પહેલાં ઓનલાઇન ફરિયાદ કરનાર અરજદાર વિરેન્દ્ર શાહ પાછળ 1 સ્થાનિક લાકડી લઈને મારવા દોડ્યો હતો. 2 વખત નોટિસ આપ્યા બાદ થયેલી આ કામગીરી દરમિયાન પોલીસે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.