વડોદરાના મલબાર ગોલ્ડ શોરૂમમાં ચોરી: કર્મચારીએ અસલી બદલે નકલી ચેઇન મૂકી
-
રેસકોર્સ રોડ પર વાણિજ્ય ભવન સામેના શોરૂમમાં સ્ટોક ચેકિંગ વખતે ચોરી પકડાઈ
-
12 August ના રોજ ડિસ્પ્લેમાંથી ચેઇન લઈ વોશરૂમમાં નકલી મૂકતો CCTV માં દેખાયો
-
જાન્યુઆરી, ફેબ્રુઆરી અને જૂન મહિનામાં પણ સોનાની ચેઇન ગાયબ કર્યાનો ખુલાસો
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા રેસકોર્સ રોડ પર વાણિજ્ય ભવન સામે આવેલા જાણીતા 'મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ'ના શોરૂમમાં અંદરના જ કર્મચારી દ્વારા સોનાની કિંમતી ચેઇનોની ચોરી કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શોરૂમમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી ફૈઝલ સલીમ મન્સુરીએ ડિસ્પ્લે કાઉન્ટરમાંથી અસલી સોનાની ચેઇન ઉઠાવી તેની જગ્યાએ આબેહૂબ દેખાતી નકલી ચેઇન ગોઠવી દઈને કુલ 4 સોનાની ચેઇનની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.
શોરૂમના સેલ્સ એક્ઝિક્યુટિવ રેવન ગણપતરાવ ગુજરે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, 14 August ના રોજ શોરૂમના સોનાના દાગીનાના સ્ટોકની નિયમિત ચકાસણી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ડિસ્પ્લેમાં મુકાયેલી એક ચેઇનની ગુણવત્તા શંકાસ્પદ જણાતાં તપાસ કરતા તે નકલી હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટના બાદ મેનેજમેન્ટ દ્વારા શોરૂમના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં સામે આવ્યું હતું કે 12 August ના રોજ સાંજે આશરે 7:30 વાગ્યાની આસપાસ કર્મચારી ફૈઝલ મન્સુરી ડિસ્પ્લેમાંથી સોનાની ચેઇન લઈને રિપેરિંગ ટેબલ તરફ ગયો હતો. ત્યારબાદ તેણે ચેઇનનું ટેગ તોડી નાખી વોશરૂમમાં જઈને અસલી ચેઇન પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી અને તેના સ્થાને અગાઉથી લાવેલી નકલી ચેઇન ડિસ્પ્લેમાં ગોઠવી દીધી હતી.
સ્ટોકની વિગતવાર અને ઊંડાણપૂર્વક ઓડિટ તપાસ કરવામાં આવતાં જાન્યુઆરી મહિનામાં 18.450 ગ્રામની ₹3,21,565 ની ચેઇન, ફેબ્રુઆરીમાં 16.465 ગ્રામની ₹2,81,719 ની ચેઇન, જૂન મહિનામાં 4.038 ગ્રામની ₹65,000 ની ચેઇન તેમજ 12 August ના રોજ 6.200 ગ્રામની આશરે ₹1,00,000 ની ચેઇન સહિત કુલ 4 ચેઇન ગુમ થઈ હોવાનું ખુલ્યું હતું. આ તમામ ચોરી થયેલા દાગીનાની કુલ કિંમત ₹9 લાખથી વધુ થાય છે.
શોરૂમ સંચાલકો દ્વારા કડકાઈથી પૂછપરછ કરવામાં આવતાં ફૈઝલે જૂન અને August મહિનામાં ચોરી કરેલી 2 ચેઇન પરત સોંપી દીધી હતી, પરંતુ અગાઉ ચોરી કરેલી ₹6,03,284 ની કિંમતની 2 ચેઇન અંગે કોઈ સંતોષકારક ખુલાસો કર્યો નહોતો. આ ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિ કે સ્ટાફની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે ગુનો નોંધી વધુ કાયદેસર તપાસ હાથ ધરી છે.
મલબાર ગોલ્ડમાં અસલી બદલે નકલી ચેઇન મૂકી ચોરી
વડોદરાના રેસકોર્સ રોડ સ્થિત મલબાર ગોલ્ડ શોરૂમના કર્મચારી ફૈઝલ મન્સુરીએ ડિસ્પ્લેમાંથી અસલી સોનાની ચેઇન કાઢી નકલી મૂકી ચોરી કરી હતી. સ્ટોક ચકાસણી અને સીસીટીવી તપાસમાં 8 મહિનામાં ₹9 લાખથી વધુની 4 ચેઇનની ચોરી પકડાઈ ગઈ છે. પોલીસે 2 ચેઇન જપ્ત કરી આરોપી સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.