Loading Please Wait !!!
જામનગરમાં LCB નો દરોડો: 3 હથિયારો અને 7 કારતૂસ સાથે શખ્સ ઝડપાયો

 

  • મહાપ્રભુજી બેઠક પાસે ખોડીયાર સોસાયટીના મકાનમાંથી હથિયારોનો જથ્થો મળ્યો

  • લાકડાના કબાટમાં કપડાં નીચે છુપાવી રાખેલી પિસ્ટલ, રિવોલ્વર અને તમંચો જપ્ત

  • LCB સ્ટાફને મળેલી સંયુક્ત ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો

સિટી ન્યુઝ @ જામનગર

જામનગર શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને સંગ્રહ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે મોડી રાત્રે લાલ આંખ કરીને મોટી સફળતા મેળવી છે. ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે પોલીસે મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી ખોડીયાર સોસાયટીના એક રહેણાંક મકાનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ઘરમાંથી 3 અગ્નિ હથિયારો અને 7 જીવતા કારતૂસ સાથે 1 શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

LCB ના સ્ટાફ યુવરાજસિંહ ઝાલા, દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળા તેમજ હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઈ સૈયદ સહિતની ટીમને સંયુક્ત બાતમી મળી હતી કે મૂળ પોરબંદરનો અને હાલ જામનગરમાં રહેતો યુનુસભાઈ ઈબ્રાહીમભાઈ મતવા કુરેશી (ઉં.વ. 49) પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર હથિયારો છુપાવીને બેઠો છે.

પોલીસ ટીમે આર્મર કિશોરસિંહ ઝાલાને સાથે રાખી પંચોની ઉપસ્થિતિમાં યુનુસ કુરેશીના મકાનની તલાશી લીધી હતી. ઘરના લાકડાના કબાટમાં કપડાં નીચે સંતાડી રાખેલી 1 ચાલુ હાલતની દેશી પિસ્ટલ (કિંમત ₹24,000), 1 દેશી રિવોલ્વર (કિંમત ₹25,000), 1 તમંચો (કિંમત ₹10,000), પિસ્ટલનું મેગેઝીન તેમજ 7 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹59,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી હતી.

પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા આ ગેરકાયદેસર હથિયારોનો જથ્થો બિહારથી સપ્લાય કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ આખા નેટવર્કમાં સપ્લાયર તરીકે પોરબંદરમાં રહેતા મૂળ બિહારના જોખન યાદવ અને બિહારના જ સુશીલકુમાર સાહૂની સંડોવણી સામે આવી છે.

પોલીસે આ બંને ફરાર સાગરીતોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. આ હથિયારો જામનગરમાં કયા હેતુથી મંગાવવામાં આવ્યા હતા અને ભૂતકાળમાં અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ થયો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જામનગરમાં 3 હથિયારો અને કારતૂસ સાથે આરોપી ઝડપાયો

જામનગર LCB એ ખોડીયાર સોસાયટીમાં દરોડો પાડી યુનુસ કુરેશી નામના શખ્સને દેશી પિસ્ટલ, રિવોલ્વર, તમંચો અને 7 જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો છે. કબાટમાંથી ₹59,000 નો મુદ્દામાલ જપ્ત કરી બિહારથી હથિયારો સપ્લાય કરનાર જોખન યાદવ અને સુશીલકુમાર સાહૂ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરાઈ છે.