Loading Please Wait !!!
ગુજરાતમાં LPG કાળાબજારી કરનારાઓ સામે સરકારની લાલ આંખ: 17 શખ્સો જેલભેગા, 10,000 ફરિયાદોનો નિકાલ!

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાઈ-લેવલ બેઠક - અફવા ફેલાવનારા તત્વો સામે SP અને કલેક્ટરને કડક આદેશ
  • ગેસ સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય - 1.28 કરોડ LPG ગ્રાહકોની સુરક્ષા માટે વિશેષ ટીમ તૈનાત
  • ઉદ્યોગોને શ્રમિકોના પગાર વહેલા ચૂકવવા સૂચના - PNG સપ્લાયમાં 23% સાથે ગુજરાત દેશમાં અગ્રેસર

મધ્ય પૂર્વના યુદ્ધ અને વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ગુજરાતમાં ગેસ પુરવઠાને લઈને ફેલાતી અફવાઓ અને કાળાબજારી રોકવા માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આજે શનિવારે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યમાં ઈંધણ કે ગેસની કોઈ જ અછત નથી. જે તત્વો અફવા ફેલાવી ભયનું વાતાવરણ ઊભું કરશે તેમની સામે જિલ્લા કલેક્ટરો અને SP ને કડક કાયદાકીય પગલાં લેવા આદેશ અપાયા છે.

કાળાબજારી કરનારાઓ સામે સર્જિકલ સ્ટ્રાઈક છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્ય સરકારને LPG સિલિન્ડરને લગતી આશરે 10,000 ફરિયાદો મળી હતી. આ મામલે તપાસ તેજ કરી દેવામાં આવી છે અને અત્યાર સુધીમાં ગેરરીતિ આચરનારા 17 થી વધુ લોકો સામે ગુના નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે સપ્લાય ચેઈનમાં કોઈ પણ સ્તરે અડચણ ઉભી ન થાય અને ગ્રાહકોને મુશ્કેલી ન પડે. ગુજરાત હાલમાં 23 ટકા PNG સપ્લાય સાથે દેશમાં અગ્રેસર છે અને હવે તેને વધુ વ્યાપક બનાવવાની તૈયારી છે.

અમદાવાદમાં PNG કનેક્શનનો ધમધમાટ સરકારે હવે LPG પરનું ભારણ ઘટાડવા માટે મહાનગરોમાં PNG (પાઈપલાઈન ગેસ) ને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને અમદાવાદમાં આગામી દિવસોમાં 11,350 નવા PNG કનેક્શન આપવામાં આવશે. આ ઉપરાંત, હોસ્પિટલો, શાળાઓ અને જાહેર સંસ્થાઓમાં સુરક્ષા અને સગવડતાના ભાગરૂપે PNG કનેક્શન લેવા ફરજિયાત બનાવવામાં આવશે. છેલ્લા 10 દિવસમાં જ રાજ્યમાં 12,000 થી વધુ નવા ડોમેસ્ટિક અને 300 કોમર્શિયલ કનેક્શન આપી દેવામાં આવ્યા છે.

ઉદ્યોગો અને શ્રમિકો માટે માર્ગદર્શિકા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ઉદ્યોગ જગત સાથે પણ બેઠક યોજી છે. મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓને અપીલ કરી છે કે કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોને ભોજનની કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવી. સાથે જ શ્રમિકોને તેમનો પગાર વહેલો ચૂકવવા સૂચના અપાઈ છે જેથી તેઓ જીવનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરી શકે. રાજ્યના 1.28 કરોડ LPG ગ્રાહકોના હિતમાં જિલ્લા અને મહાનગર સ્તરે પણ સતત મોનિટરિંગ કરવામાં આવશે.

વૈશ્વિક સ્તરે ભલે ઉર્જા સંકટ ઘેરાયું હોય, પણ ગુજરાત સરકારે લીધેલા આગોતરા પગલાં અને કડક અમલીકરણને કારણે રાજ્ય સુરક્ષિત છે. નાગરિકોને પેનિક બુકિંગ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા સરકારે ખાસ વિનંતી કરી છે.