Loading Please Wait !!!
સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકોનો હુમલો: શિક્ષણ મંત્રીને પત્ર લખી આપ્યું અલ્ટીમેટમ, 29 એપ્રિલ સુધીમાં ન્યાય નહીં તો જંગ

 

  • AGP મૂવમેન્ટ અને DPC માં વિલંબથી શૈક્ષણિક કારકિર્દી જોખમમાં- લાયક હોવા છતાં સેંકડો અધ્યાપકો ઉચ્ચ પગાર ધોરણથી વંચિત

  •  ડિપ્લોમાથી ડિગ્રી સેવાની ગણતરી અને PhD NOC સહિતની માંગણીઓ તેજ- 29મી સુધી આદેશો નહીં થાય તો આંદોલન નક્કી

  •  સરકારના 1 માર્ચના ઠરાવ બાદ પણ વહીવટી તંત્ર નિષ્ક્રિય- સંવેદનહીન અભિગમ સામે રાજ્યપત્રિત અધિકારી મંડળનો મોરચો

    અમદાવાદ: ગુજરાતની સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકોએ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નો મુદ્દે હવે સરકાર સામે આરપારની લડાઈ લડવાનું એલાન કર્યું છે. ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ કમિશનરને પત્ર લખીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો 29 એપ્રિલ સુધીમાં CAS (Career Advancement Scheme) અને પદોન્નતિ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો આગામી 30 એપ્રિલે રાજ્યના તમામ અધ્યાપકો કાળા કપડાં પહેરી કમિશનરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (CTE) ની ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.

    અધ્યાપકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સત્તાધીશો દ્વારા 90 ટકા જેટલા પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. શિક્ષણ મંત્રીને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે CTE ઓફિસના બિનકાર્યક્ષમ વહીવટ અને સંવેદનહીન અભિગમને કારણે અધ્યાપકોને આર્થિક, માનસિક અને સામાજિક નુકસાન થઈ રહ્યું છે. વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલા શૈક્ષણિક અધિકારીઓની ધીરજ હવે ખૂટી ગઈ છે.

    આંકડાકીય વિગતો મુજબ, AICTE અને ગુજરાત સરકારના તાજેતરના ઠરાવો બાદ પણ સેંકડો લાયક અધ્યાપકોને તેમની પદોન્નતિ કે AGP મૂવમેન્ટનો લાભ મળ્યો નથી. આશરે 100 અધ્યાપકો પ્રથમ (6000-7000), 300 થી વધુ બીજી (7000-8000) અને 350 થી વધુ અધ્યાપકો ત્રીજી AGP મૂવમેન્ટથી વંચિત છે. આ ઉપરાંત, DPC માં થયેલા વિલંબને કારણે 200 થી વધુ અધ્યાપકો લેવલ-12 થી લેવલ-14 સુધીની પ્રગતિથી હજુ પણ દૂર રહ્યા છે.

    અધ્યાપક મંડળની મુખ્ય માંગણીઓમાં GPSC ડિપ્લોમાથી ડિગ્રી સુધીની સેવાને CAS માટે ગણતરીમાં લેવા, PhD માટેની NOC ધરાવતા અધ્યાપકોને બેક-ઇફેક્ટ સાથે સ્વીકૃતિ આપવા અને પગાર સુરક્ષા (Pay Protection) અંગેની ક્વેરી પર સ્પષ્ટ સૂચનાઓ જારી કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડેપ્યુટેશન પર રહેલા અધ્યાપકો માટે પણ જરૂરી છૂટછાટની માંગ કરવામાં આવી છે.

    અધ્યાપકોએ જણાવ્યું છે કે તેઓ વિદ્યાર્થીઓના હિતમાં સતત કાર્યરત છે, પરંતુ વહીવટી તંત્રના ‘તઘલખી આદેશો’ હવે સહન કરી શકાય તેમ નથી. જો 29મી સુધીમાં કોઈ ઠોસ નિર્ણય અથવા આદેશ કરવામાં નહીં આવે, તો ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના કમિશનરની ઓફિસનો ઘેરાવ કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ વિવાદને કારણે રાજ્યની સરકારી ટેકનિકલ સંસ્થાઓમાં શૈક્ષણિક વાતાવરણ ડહોળાય તેવી શક્યતા સેવાઈ રહી છે.