ભાજપમાં 'બળવો': સુરતમાં 300 કાર્યકરોએ કાર્યાલય ઘેર્યું, કોળી-પાટીદાર સમાજે આપી મતદાન બહિષ્કારની ચીમકી!
- વોર્ડ નંબર 10 માં 'બહારના' ઉમેદવાર સામે જનાક્રોશ – પૂર્ણેશ મોદીએ મામલો થાળે પાડવા દોડવું પડ્યું
- સ્થાનિકોની અવગણના પક્ષને ભારે પડશે? – 25 હજાર મતદારોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની આપી ધમકી
- માલધારી, રાજપૂત અને બ્રહ્મ સમાજમાં ટિકિટ મુદ્દે કચવાટ – પૂર્વ કોર્પોરેટરોની ગુપ્ત બેઠકોનો વીડિયો વાયરલ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. સુરત અને અમદાવાદ જેવા ગઢમાં પાયાના કાર્યકરોની અવગણના કરીને 'બહારના' ચહેરાઓને ટિકિટ આપવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરતના અડાજણ-પાલ વિસ્તારના વોર્ડ નંબર 10 માં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતા જ 300 થી વધુ નારાજ કાર્યકરો અને સ્થાનિકોએ મોડી રાત્રે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો ઘેરાવો કર્યો હતો. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે પોલીસનો કાફલો બોલાવવો પડ્યો હતો.
વિરોધ કરી રહેલા સ્થાનિકોનો આક્ષેપ છે કે, જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તેમને પાંચ વર્ષમાં ક્યારેય આ વિસ્તારમાં જોયા નથી. કોળી અને પાટીદાર સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો આશરે 25 હજાર જેટલા મતદારો મતદાનનો બહિષ્કાર કરશે. મામલો બિચકતા પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી તાત્કાલિક કાર્યાલય દોડી આવ્યા હતા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ કાર્યકરો ટિકિટ બદલવાની માંગ પર મક્કમ છે.
બીજી તરફ, અમદાવાદમાં પણ ભાજપ માટે મુશ્કેલીઓ વધી છે. 48 વોર્ડ ધરાવતી આ મહાનગરપાલિકામાં ટિકિટ વહેંચણી બાદ અનેક સોસાયટીઓના ગેટ પર ભાજપના પ્રચાર માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. નારણપુરા અને સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં પૂર્વ કોર્પોરેટરોને રિપીટ ન કરાતા એક બગીચામાં ગુપ્ત બેઠક યોજાઈ હતી, જેનો વીડિયો વાયરલ થયો છે. આ બેઠકમાં ભાજપનો પ્રચાર ન કરીને બીજા પક્ષને ફાયદો કરાવવાની રણનીતિ ઘડાઈ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના નરોડામાં ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીની 'મનમાની' સામે રાજપૂત અને બ્રહ્મ સમાજે સોશિયલ મીડિયામાં મોરચો માંડ્યો છે. જ્યારે ગોતામાં માલધારી સમાજની અવગણના થતા માહોલ ગરમાયો છે. આ સ્થિતિને પહોંચી વળવા પ્રદેશ ભાજપે દર્શક ઠાકર અને ગૌતમ કથિરિયા જેવા નેતાઓને 'ડેમેજ કંટ્રોલ' ની જવાબદારી સોંપી છે. આ નેતાઓ રાતોરાત કાર્યકરોના ઘરે જઈને તેમને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં અત્યારે ભાજપનો આ આંતરિક વિરોધ ચર્ચાનો વિષય બન્યો છે. પક્ષના પાયાના કાર્યકરોમાં વધતો કચવાટ આગામી ચૂંટણીના પરિણામો પર શું અસર કરશે, તે જોવું રસપ્રદ રહેશે. જો સમયસર આ રોષને શાંત પાડવામાં નહીં આવે તો ભાજપના ગઢમાં જ ગાબડું પડવાની ભીતિ સેવાઈ રહી છે.