વડોદરા વોર્ડ-6 ગ્રાઉન્ડ રિપોર્ટ: "30 વર્ષમાં માત્ર કોર્પોરેટરનો વિકાસ થયો, પ્રજા તો નરકમાં જીવે છે!"
- વોટ લેવા આવશે તો ઘૂસવા નહીં દઈએ - સરસિયા તળાવની ગંદકી અને પીવાના પાણી માટે રહીશોનો પોકાર
- 4 વર્ષથી નળ છે પણ પાણી નથી - ડો. શીતલ મિસ્ત્રી પ્રજાના પૈસે આઇફોન વાપરે છે પણ સમસ્યા જોતા નથી: રહીશોનો આક્ષેપ
- યાકુતપુરા અને વારસિયામાં જીવના જોખમે પસાર થતા લોકો - ઐતિહાસિક સરસિયા તળાવ બન્યું ગંદકીનું ધામ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરના વોર્ડ નંબર ૬ ની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળી રહી છે. 'દિવ્ય ભાસ્કર' ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ વિસ્તારના રહીશો પાયાની સુવિધાઓ માટે છેલ્લા ત્રણ દાયકાથી ઝઝૂમી રહ્યા છે. વારસિયા, યાકુતપુરા અને કિશનવાડી જેવા વિસ્તારોમાં ગંદકી, દૂષિત પાણી અને જર્જરિત આવાસોને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સરસિયા તળાવ પાસે રહેતા રહીશોએ જણાવ્યું હતું કે, "ઐતિહાસિક તળાવ આજે ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે. તળાવ પરનો બ્રિજ એટલો સાંકડો અને જર્જરિત છે કે બે લોકો પણ સાથે ચાલી શકતા નથી. અસંખ્ય રજૂઆતો અને RTI કરવા છતાં નેતાઓ અહીં પગ મૂકતા નથી." મદાર મહોલ્લાના લોકોનો આક્ષેપ છે કે છેલ્લા ચાર વર્ષથી પીવાના પાણીની લાઈનો નંખાઈ ગઈ છે, પરંતુ હજુ સુધી નળમાં એક ટીપું પાણી આવ્યું નથી.
આ વોર્ડ સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીનો હોવા છતાં વિકાસના નામે મીંડું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. રહીશ ઘનશ્યામભાઈએ આક્રોશ સાથે જણાવ્યું કે, "નેતાઓ પ્રજાના ટેક્સના પૈસે મોંઘાદાટ આઇફોન વાપરે છે પણ જ્યારે અમે વોટ્સએપ પર સમસ્યા મોકલીએ છીએ ત્યારે જોવાની પણ તસ્દી લેતા નથી." કિશનવાડીમાં ડમ્પિંગ યાર્ડની બાજુમાં જ શાક માર્કેટ હોવાથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે.
ચૂંટણી નજીક આવતા જ રહીશોએ 'નો સુવિધા, નો વોટ' નું સૂત્ર અપનાવ્યું છે. યાકુતપુરાના પરવેઝ શેખે ચેતવણી આપી છે કે, "વોટ લેવા આવશે તો કોઈ પણ નેતાને વિસ્તારમાં ઘૂસવા દઈશું નહીં." બીજી તરફ ભાજપના વોર્ડ પ્રમુખ પ્રવીણ ભરવાડે બચાવ કરતા કહ્યું કે વિકાસના કામો થયા છે અને તળાવની ગંદકી માટે નાગરિકોની જાગૃતિ પણ જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે આ લોકરોષની અસર આગામી ચૂંટણીના પરિણામો પર કેવી પડે છે.