Loading Please Wait !!!
જૂનાગઢના કડિયાવાડમાં જનતાનો આક્રોશ: "હવે નેતાઓ નહીં, કિન્નરોને ચૂંટણી લડાવવી છે!"

  • જર્જરિત ઇમારતોના માચડા નીચે જીવવા મજબૂર રહીશો - સ્લેબ તૂટતા મહિલા લોહીલુહાણ છતાં તંત્ર ઘોર નિદ્રામાં
  • 50થી વધુ બિલ્ડિંગો અતિ જર્જરિત, લોખંડની ખીલાસરીઓ તલવારની જેમ લટકે છે - 2 વર્ષ પહેલાની દુર્ઘટનામાંથી પણ તંત્રએ બોધપાઠ ન લીધો
  • મણકા તૂટી ગયા પણ કોર્પોરેટર ખબર કાઢવા ન આવ્યા - જર્જરિત મકાનોમાં હજુ પણ 12થી વધુ વિદ્યાર્થીઓ ભાડૂઆત તરીકે વસવાટ કરે છે

જૂનાગઢ શહેરના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારમાં તંત્રની લાપરવાહી અને મકાન માલિકોની લોભવૃત્તિએ નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા છે. વર્ષોથી જર્જરિત હાલતમાં ઊભેલી ઇમારતોનો એક સ્લેબ અચાનક તૂટી પડતા એક મહિલા લોહીલુહાણ થઈ છે, જે ઘટનાએ રહીશોના જૂના જખમો તાજા કર્યા છે. બે વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા હતા, તેમ છતાં તંત્ર હજુ પણ કોઈ મોટી જાનહાનિની રાહ જોતું હોય તેવું જણાઈ રહ્યું છે. 'દિવ્ય ભાસ્કર'ની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરી, ત્યારે અહીંના લોકોની વેદના અને આક્રોશ ફાટી નીકળ્યો હતો.

સ્થાનિક રહીશોનો નેતાઓ અને કોર્પોરેટરો પ્રત્યેનો ગુસ્સો એ હદે છે કે તેઓ હવે કહેવા લાગ્યા છે કે, "આ વિસ્તારમાં હવે કિન્નરોને જ ચૂંટણી લડાવવી છે, કારણ કે આ નેતાઓ અમારી વેદના સમજતા નથી." 63 વર્ષથી બેલદાર શેરીમાં રહેતા ચંદ્રેશભાઈ પોપટ જણાવે છે કે, કોર્પોરેટરો માત્ર મતો માંગવા આવે છે. ગટર, પાણી કે રોડના ઠેકાણા નથી અને માથે લોખંડની ખીલાસરીઓ તલવારની જેમ લટકી રહી છે. વસંતબેન તેરૈયાની આપવીતી વધુ કંપારી છૂટી જાય તેવી છે; એક વર્ષ પહેલાં ખરાબ રોડને કારણે તેમના મણકા તૂટી ગયા છતાં કોઈ નેતા ખબર કાઢવા પણ આવ્યા નહોતા. તેમનો આક્રોશ છે કે, "જ્યારે કોઈ મરી જાય ત્યારે આ લોકો સ્મશાનમાં ફોટા પડાવવા પહોંચી જાય છે, પણ જીવતા માણસોની સુવિધા માટે તેમની પાસે સમય નથી."

કડિયાવાડ શાક માર્કેટ વિસ્તારમાં આજે પણ 50થી વધુ ઇમારતો અતિ જર્જરિત હાલતમાં ઉભી છે. આશ્ચર્યની વાત એ છે કે, આવી જોખમી ઇમારતોમાં હજુ પણ 12થી વધુ વિદ્યાર્થીઓ ભાડૂઆત તરીકે વસવાટ કરી રહ્યા છે. મકાન માલિકોને માત્ર ભાડામાં રસ છે અને તેઓ મકાન ઉતારવા તૈયાર નથી. રહીશ મિલનભાઈ વ્યાસે મનપા કમિશનરને સીધો પડકાર ફેંકતા કહ્યું છે કે, જો તંત્રના એન્જિનિયરો આ ઇમારતોને સુરક્ષિત સાબિત કરી આપે, તો તેઓ કોઈપણ સજા ભોગવવા તૈયાર છે. ત્રણ-ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાં ઇન્સ્પેક્ટરોએ હજુ સુધી એક નોટિસ પણ પાઠવી નથી.

વૃદ્ધા મનોરમાબેન જોશી કહે છે કે, "અમારે દરરોજ મોતના મુખમાં જીવવું પડે છે. ઉપર જોતા ચાલવું પડે છે કે ક્યારે કોઈ પથ્થર માથે પડશે." કડિયાવાડ વિસ્તાર અત્યારે જાણે જૂનાગઢના નકશામાં જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છ મહિનાથી શેરીઓ ખોદી નાખવામાં આવી છે, જેના કારણે અકસ્માતોની હારમાળા સર્જાય છે, પરંતુ સત્તાધીશો પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળી જનતાની તકલીફ જોવાની તસ્દી લેતા નથી.

જો સમય રહેતા આ 50થી વધુ જર્જરિત ઇમારતો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો બે વર્ષ પહેલાની હૃદયદ્રાવક ઘટનાનું પુનરાવર્તન થતા વાર નહીં લાગે. જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓએ હવે કાગળ પરની કામગીરી છોડીને ગ્રાઉન્ડ લેવલ પર ઉતરવું જોઈએ. જનતાની ધીરજ ખૂટી રહી છે અને જો હવે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે, તો તેનો સીધો જવાબદાર વહીવટી તંત્ર અને આ વિસ્તારના નિષ્ક્રિય કોર્પોરેટરો રહેશે.