વડોદરા વોર્ડ-1 માં જનતાનો મિજાજ ગરમ: 'કાળું અને ડહોળું પાણી પીવા મજબૂર છીએ, હવે વાયદા નહીં કામ જોઈએ!'
- છાણી, નવાયાર્ડ અને નિઝામપુરાના રહીશોનો આક્રોશ – વિશ્વામિત્રીના 1200 કરોડ ક્યાં ગયા? જનતાનો સવાલ
- પ્રવેશદ્વાર ગણાતા વિસ્તારમાં જ પાર્કિંગની આંધળી આલમ – સિનિયર સિટીઝનોને ચાલવું પણ મુશ્કેલ
- ત્રીજા માળેથી હવે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પણ પાણી નથી આવતું – સ્થાનિકોએ નેતાઓને બતાવ્યો આયનો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ વડોદરાના વોર્ડ નંબર 1 માં રાજકીય ગરમાવો તેજ થયો છે, પરંતુ આ ગરમાવો ઉમેદવારો પ્રત્યેના પ્રેમનો નહીં પણ તંત્ર પ્રત્યેના રોષનો છે. છાણી, નવાયાર્ડ અને નિઝામપુરા જેવા મહત્વના વિસ્તારોને આવરતા આ વોર્ડમાં રહીશોની હાલત કફોડી છે. વડોદરાનું પ્રવેશદ્વાર ગણાતા આ વિસ્તારમાં આજે પણ રહીશો કાળા અને ડહોળા કલરનું દૂષિત પાણી પીવા મજબૂર છે. રહીશોનો સીધો આક્ષેપ છે કે વારંવારની રજૂઆતો છતાં કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી.
સ્થાનિક રહીશ ભરત અમીને પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, "જ્યારે હું અહીં રહેવા આવ્યો ત્યારે મોટર વગર ત્રીજા માળે પાણી ચઢતું હતું, આજે અંડરગ્રાઉન્ડ ટાંકી ભરાતી નથી." માત્ર પાણી જ નહીં, પણ ચોમાસામાં 'ભૂખી કાંસ' ના કારણે સર્જાતી પૂરની સ્થિતિએ લોકોની ઉંઘ હરામ કરી દીધી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 1200 કરોડની મોટી રકમ ફાળવવામાં આવી હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ 'જૈસે થે' જેવી જ જોવા મળે છે.
ટ્રાફિકની સમસ્યા પણ આ વોર્ડમાં વિકરાળ છે. મુખ્ય માર્ગો પર પાર્કિંગ માટે અલગ જગ્યા ફાળવવામાં આવી નથી, જેના કારણે આડેધડ પાર્કિંગ અને લારીઓના દબાણથી રસ્તાઓ સાંકડા બન્યા છે. સિનિયર સિટીઝન અનિલ શાહ જણાવે છે કે, "પીક અવર્સમાં ચાલવું પણ જોખમી બની જાય છે." બીજી તરફ વિપક્ષી કોર્પોરેટરોનો આક્ષેપ છે કે સત્તાધારી પક્ષે માત્ર પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે કામો કર્યા છે અને જનતાના મૂળભૂત પ્રશ્નોની અવગણના કરી છે.
આ વખતે વોર્ડ-1 ના મતદારોનો મૂડ સ્પષ્ટ છે. રહીશ ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "આ લોકલ ઈલેક્શન છે, અહીં કોઈ પાર્ટી મહત્વની નથી, જે લોકો ગ્રાઉન્ડ પર કામ કરશે તેને જ અમારો કિંમતી મત મળશે." શું ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જનતાના આ આક્રોશને પારખી શકશે? કે પછી ફરી એકવાર માત્ર વાયદાઓની જ લ્હાણી થશે? તે તો પરિણામો જ બતાવશે.