Loading Please Wait !!!
જૂનાગઢ સિવિલમાં 'રજા'ના દિવસે દર્દીઓ રામભરોસે: OPD ને તાળા વાગતા ગરીબ દર્દીઓમાં ભારે રોષ!

  • જવાબદાર અધિકારીઓ ગેરહાજર, વહીવટી શૂન્યાવકાશ - ઇમરજન્સીમાં લાંબી લાઈનો અને માત્ર કામચલાઉ દવાઓનો સહારો
  • સુપરિન્ટેન્ડન્ટ અને RMO ગાયબ - દૂર-દૂરના ગામડાઓથી મોંઘું ભાડું ખર્ચીને આવતા દર્દીઓનું નિદાન અટવાયું
  • સોનોગ્રાફી જેવી સેવાઓ ઠપ્પ - દર્દીઓને ૩ દિવસ પછી ફરી આવવા ધક્કા ખવડાવતી હોસ્પિટલ વ્યવસ્થા

સોરઠ પંથકની સૌથી મોટી ગણાતી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અત્યારે વિવાદોમાં ઘેરાઈ છે. 'ભાસ્કર' ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, રજાના દિવસે હોસ્પિટલની વરવી સ્થિતિ જોવા મળી હતી. સિવિલના તમામ મુખ્ય વિભાગોની ઓપીડી (OPD) સેવાઓ બંધ કરી દેવાતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ રામભરોસે મુકાયા હતા. જ્યાં રોજિંદા ૨૦૦થી વધુ દર્દીઓ નિદાન માટે આવતા હોય, ત્યાં તાળા લટકતા જોઈને બહારગામથી આવેલા દર્દીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

હોસ્પિટલમાં સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે જાણવા મળ્યું કે માત્ર OPD જ નહીં, પરંતુ સુપરિન્ટેન્ડન્ટ અને આર.એમ.ઓ (RMO) જેવા જવાબદાર અધિકારીઓ પણ પોતાની ફરજ પર ગેરહાજર હતા. આ વહીવટી શૂન્યાવકાશને કારણે સામાન્ય બીમારીવાળા દર્દીઓનો ધસારો ઇમરજન્સી વિભાગમાં વધી ગયો હતો. સોનોગ્રાફી જેવી તપાસ સેવાઓ પણ બંધ હોવાથી ગંભીર દર્દીઓના નિદાનમાં વિલંબ થયો હતો.

દૂર-દૂરના ગામડાઓથી ઉછીના-પાછીના પૈસા કરી મોંઘું ભાડું ખર્ચીને આવેલા દર્દીઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા. દર્દીઓના મતે, ઇમરજન્સી વિભાગમાં પૂરતી તપાસ કર્યા વગર માત્ર ૭ થી ૧૦ દિવસની દવાઓ આપીને સંતોષ માની લેવામાં આવે છે. સ્વાતિક ડોડીયા નામના એક દર્દીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, "હું તાવ અને શરદીની સારવાર માટે આવ્યો હતો, પણ OPD બંધ હોવાથી ઇમરજન્સીમાંથી ૩ દિવસની દવા આપીને મને ફરી ૩ દિવસ પછી આવવા માટે કહી દેવામાં આવ્યું છે."

રાજકોટ સિવિલ હોસ્પિટલની જેમ જ જૂનાગઢ સિવિલ પર આસપાસના અનેક જિલ્લાઓનો ભાર રહેલો છે, ત્યારે રજાના દિવસે પણ ઇમરજન્સી સેવાઓ સાથે OPD ને અંશતઃ ચાલુ રાખવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે. જવાબદાર અધિકારીઓની ગેરહાજરી અને તંત્રની ઉદાસીનતાને કારણે ગરીબ દર્દીઓને હવે ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચ તરફ વળવાની ફરજ પડી રહી છે. તંત્ર દ્વારા આ બાબતે તપાસ કરી દર્દીઓને પડતી હાલાકી દૂર કરવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે.