વડોદરા ભાજપનો માસ્ટરસ્ટ્રોક: વાનચાલક રાજેશ માછીને આપી ટિકિટ, 'નાના માણસ' ની મહેનત રંગ લાવી!
- "મોદી સાહેબ ચા વેચીને આગળ આવ્યા એટલે ગરીબોની વેદના સમજે છે" – પત્ની માટે ટિકિટ માંગી હતી અને ખુદ ઉમેદવાર બન્યા
- લોકો કહેતા 'ગાંડાની જેમ કેમ ભાગે છે?' – 30 વર્ષની વફાદારીની પાર્ટીએ કરી કદર
- કોંગ્રેસના ગઢમાં ડિપોઝિટ જપ્ત કરાવનાર પાયાના કાર્યકરને મળ્યું ફળ – વિસ્તારની જનતામાં જશ્નનો માહોલ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ટિકિટ વહેંચણીને લઈને જ્યાં એકતરફ વિવાદો ચાલી રહ્યા છે, ત્યાં બીજી તરફ વડોદરામાંથી એક અત્યંત પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17 માટે એક એવા વ્યક્તિને ટિકિટ આપી છે જે પોતાની સ્કૂલ વર્ધી વાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તરસાલીના વિશાલનગરમાં રહેતા ભૂપેન્દ્ર ઉર્ફે રાજેશ માછીની પસંદગી થતા સમગ્ર વિસ્તારમાં અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજેશ માછી છેલ્લા 30 વર્ષથી ભાજપમાં સક્રિય છે. રિક્ષા ચલાવવાથી લઈને સ્કૂલ વાન ચલાવવા સુધીની આર્થિક સંઘર્ષભરી સફર વચ્ચે પણ તેમણે પાર્ટીની જવાબદારી ક્યારેય છોડી નથી. રાજેશભાઈ કહે છે કે, "જ્યારે હું નિઃસ્વાર્થ ભાવે પાર્ટીનું કામ કરતો ત્યારે લોકો મને કહેતા કે તું કેમ ગાંડાની જેમ ભાગે છે? તને ક્યાં કોઈ ઉમેદવાર બનાવશે? પણ મને મોદી સાહેબ પર વિશ્વાસ હતો. તેઓ પોતે ચા વેચીને પીએમ બન્યા છે, એટલે તેઓ નાના અને ગરીબ માણસોની કદર કરે જ છે."
રાજેશભાઈના પત્ની જયશ્રીબેન પણ આ નિર્ણયથી અત્યંત ભાવુક છે. તેમણે જણાવ્યું કે, "ભાજપમાં તો મોટા બંગલા અને લક્ઝરી ગાડીઓ વાળા લોકો હોય છે, મેં ઘણીવાર મારા પતિને કહ્યું હતું કે આપણે તો નાના માણસો છીએ, આપણને કોણ ઓળખવાનું? પણ આજે પાર્ટીએ તેમની 20 વર્ષની મહેનત જોઈને ટિકિટ આપી છે, તે બદલ અમે ખૂબ જ આભારી છીએ." 2015માં રાજેશભાઈએ પત્ની માટે ટિકિટ માંગી હતી, જે મળી નહોતી. છતાં તેમણે બળવો કરવાને બદલે પક્ષના ઉમેદવારને જીતાડવા માટે એવી મહેનત કરી હતી કે કોંગ્રેસના ત્રણ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.
રાજેશ માછીની પ્રાથમિકતા હવે તેમના વિસ્તારના બાકી રહેલા વિકાસ કામો પૂર્ણ કરવાની છે. ખાસ કરીને તેમની સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં જે પ્રશ્નો વર્ષોથી અટવાયેલા છે તેને ઉકેલવા તેઓ મક્કમ છે. રાજકોટ જેવા શહેરોમાં પણ જ્યારે ટિકિટ માટે ખેંચતાણ ચાલે છે, ત્યારે વડોદરાનો આ કિસ્સો સાબિત કરે છે કે પક્ષમાં વફાદારી અને મહેનતની કદર મોડી પણ ચોક્કસ થાય છે. એક વાનચાલક જ્યારે મનપાના સદન સુધી પહોંચવાની તૈયારીમાં હોય, ત્યારે તે સામાન્ય જનતા માટે લોકશાહીનો સાચો ઉત્સવ બની રહે છે.