સલાયામાં ખાખીનો માન-મર્તબો: PI વી.એ. રાણાને પુષ્પવર્ષા સાથે ભાવભરી વિદાય, નવા PI એમ.બી. ગજ્જરનું ભવ્ય સ્વાગત!
- એસોજી ખંભાળિયા ખાતે બદલી થતા રાણા સાહેબનું સન્માન - સલાયા પોલીસ પરિવાર અને વેપારી મંડળ દ્વારા યોજાયો સ્નેહ મિલન સમારંભ
- જામનગરથી આવેલા PI ગજ્જર સાહેબને આવકાર્યા - પોલીસ અને પ્રજા વચ્ચેના અતૂટ સંબંધોની પ્રતીતિ
- જલારામ સેવા સમિતિ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ - સલાયાના વિકાસ અને સુરક્ષામાં યોગદાનને બિરદાવ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને પ્રજાભિમુખ કામગીરી માટે જાણીતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. રાણાની બદલી થતા તેમને ભાવભરી વિદાય આપવામાં આવી છે. રાણા સાહેબની ખંભાળિયા એસોજી (SOG) ખાતે નિમણૂક થતા આજે સલાયાના વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો દ્વારા એક સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં તેમને પુષ્પવર્ષા સાથે વિદાય અપાઈ હતી.
આ પ્રસંગે જામનગરથી બદલી પામીને સલાયા મુકાયેલા નવા પીઆઈ એમ.બી. ગજ્જરનું પણ સન્માન કરી તેમને ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા. સલાયા પોલીસ પરિવાર તેમજ વેપારી મહામંડળ, જલારામ સેવા સમિતિ, સલાયા લોહાણા મહાજન અને ભાજપ સંગઠન દ્વારા સંયુક્ત રીતે આ વિદાય અને સત્કાર સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ ભરતભાઈ લાલ, અરવિંદભાઈ ભાયાણી, અરવિંદભાઈ ભટ્ટ, લાલજીભાઈ ભુવા, મનુભાઈ પંચમતિયા તેમજ યુવા આગેવાનો સુમિત લાલ, આસિત સાયાણી અને સંજય રાજાએ પીઆઈ વી.એ. રાણાના કાર્યકાળ દરમિયાન સલાયાની શાંતિ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. હાજર રહેલા તમામ આગેવાનો અને પોલીસ સ્ટાફે રાણા સાહેબ પર ફૂલોનો વરસાદ કરી તેમને ભાવુક વિદાય આપી હતી. સાથે જ નવા આવેલા પીઆઈ ગજ્જર સાહેબને પણ સલાયાની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતિક બની રહ્યો હતો.