Loading Please Wait !!!
રાજકોટમાં ગેસ સિલિન્ડરનો પ્રચંડ બ્લાસ્ટ: હંસરાજ નગરમાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા, ઘરના પતરાં હવામાં ઉડ્યા

 

  • રણુજા મંદિર પાસે સર્જાઈ કરુણ દુર્ઘટના- ભૂકંપ જેવો ધ્રુજારો અનુભવાતા લોકોમાં ફફડાટ; FSL દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

  • સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ યુપીનો પરિવાર- લીકેજ હોવાનું પ્રાથમિક અનુમાન; આજીડેમ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

  • પ્રચંડ વિસ્ફોટથી વિસ્તારમાં મચી નાસભાગ- પિંકીબેન ચૌહાણે વર્ણવી આપવીતી; પોલીસ હવે સિલિન્ડરની ગુણવત્તા તપાસશે

    રાજકોટ: શહેરના કોઠારિયા રોડ પર આવેલા હંસરાજ નગરમાં ગઈકાલે રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની એક અત્યંત કરુણ દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં રસોઈ બનાવી રહેલા એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ઘરની ઓરડી પર રાખેલા પતરાં કાગળની જેમ ઉડી ગયા હતા અને આસપાસના રહેવાસીઓએ ભૂકંપ જેવો આંચકો અનુભવ્યો હતો.

    મળતી વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને અહીં ભાડાની ઓરડીમાં રહેતા સતંદર ચૌહાણ, રિમાબેન પનોજીયા, પરવેઝ, વિશાલ અને શિવમ ચૌહાણ રાત્રે ઘરમાં હાજર હતા. રસોઈ બનાવવા માટે ગેસનો નવો બાટલો ચડાવવામાં આવ્યો હતો, પરંતુ તે લીકેજ હોવાને કારણે જેવો ગેસ ચાલુ કર્યો કે તરત જ આગ ભભુકી ઉઠી હતી અને પ્રચંડ ધડાકા સાથે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આજીડેમ પોલીસે પ્રાથમિક તપાસમાં પરવેઝ અને વિશાલ સગા ભાઈઓ હોવાનું જણાવ્યું છે.

    પરિવારના સભ્ય પિંકીબેન ચૌહાણે જણાવ્યું હતું કે રાત્રે 9:30 કલાકે રસોઈ બનાવતી વખતે અચાનક જ આ દુર્ઘટના ઘટી હતી. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાંચ પૈકી બે વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક છે અને તબીબો દ્વારા તેમને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધડાકાના અવાજથી આસપાસના લોકો પણ ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.

    ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા ગેસ સિલિન્ડરની ગુણવત્તા અને કનેક્શનની ઊંડી તપાસ કરવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની મદદ લેવામાં આવી છે. નિષ્ણાતોની ટીમ દ્વારા ઘટનાસ્થળેથી નમૂના લેવામાં આવ્યા છે અને બ્લાસ્ટ થવા પાછળ કોઈ ટેકનિકલ ક્ષતિ હતી કે કેમ તે જાણવા પ્રયાસો થઈ રહ્યા છે. હાલમાં આ કાળમુખી દુર્ઘટનાને પગલે હંસરાજ નગર વિસ્તારમાં ચિંતા અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.