Loading Please Wait !!!
ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટના લીરેલીરા: 45 વર્ષ જૂની લાઇન તૂટતા નવા સેક્ટરોમાં પાણીનો પોકાર!

  • 325 કરોડ ખર્ચ્યા પછી પણ સ્થિતિ 'રમણ-ભમણ' - મેઇન લાઇનમાં ભંગાણ પડતાં લાખો લીટર પાણીનો વેડફાટ
  • સેક્ટર 5/13 ની ચોકડી પાસે ટ્રંક લાઇન ફાટી - હજારો રહેવાસીઓ પાણી વગર ટળવળ્યા, રોડ પર નદીઓ વહી
  • અમદાવાદથી 10 મીટરનો પાઇપ મંગાવાયો - સેક્ટર 5, 6 અને 13 માં હજુ 48 કલાક પાણીની કટોકટી રહેવાની આશંકા

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 24 કલાક પાણી આપવાની મહત્વાકાંક્ષી યોજના તંત્રની ઉતાવળ અને આયોજનના અભાવે જનતા માટે આફત બનીને આવી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ₹325 કરોડથી વધુનો ખર્ચ કર્યા બાદ પણ રવિવારે વહેલી સવારે સેક્ટર 5/13 ની ચોકડી પાસે મુખ્ય ટ્રંક લાઇનમાં ભંગાણ પડ્યું હતું. આ ભંગાણને કારણે લાખ્ખો લીટર શુદ્ધ પીવાનું પાણી રોડ પર વહી ગયું હતું, જેનાથી વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રોડ ડિવાઇડર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ સમસ્યા પાછળનું મુખ્ય કારણ તંત્રની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. પાટનગરમાં નવી લાઇન નાખવાને બદલે ઉતાવળે યોજના પૂર્ણ કરવા માટે સાડા ચાર દાયકા જૂની લાઇનોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 45 વર્ષ જૂની આ પાઇપલાઇનો 24 કલાક પાણી આપવા માટે ઉભા કરવામાં આવતા ફોર્સ (પ્રેશર) ને સહન કરવા સક્ષમ ન હોવાથી તેમાં ગાબડું પડ્યું છે. આ અગાઉ પણ નિષ્ણાતોએ ચેતવણી આપી હતી, છતાં તંત્રએ જૂની લાઇનોના ભરોસે જ યોજના શરૂ કરી દીધી હતી, જેનું માઠું પરિણામ આજે જનતા ભોગવી રહી છે.

પાણી પુરવઠો ખોરવાતા સેક્ટર 3, 5 અને 6 ના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રવિવારની રજા હોવા છતાં પીવાનું પાણી ન મળતા લોકોએ અધિકારીઓ અને લોક પ્રતિનિધિઓના ફોન રણકાવ્યા હતા. જોકે, સ્થિતિ એટલી વિકટ હતી કે તંત્ર પાસે લાચારી વ્યક્ત કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. સમારકામ માટે જરૂરી 10 મીટરનો પાઇપનો ટુકડો અત્યારે બજારમાં ઉપલબ્ધ ન હોવાથી છેક અમદાવાદથી મંગાવવાની ફરજ પડી છે, જે તંત્રની સજ્જતા પર સવાલો ઉભા કરે છે.

સમારકામની કામગીરી જોતા હજુ આગામી 48 કલાક સુધી સેક્ટર 5, 6 અને 13 માં પાણીનો પુરવઠો સામાન્ય થાય તેવી શક્યતા ઓછી છે. આથી, તંત્રએ આ વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરી છે. બીજી તરફ, મુખ્ય માર્ગ પર પાણીના ધસમસતા પ્રવાહને કારણે ટ્રાફિક વ્યવસ્થા પર પણ માઠી અસર પડી હતી, જેનાથી વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.

નોંધનીય છે કે કોરોના, ચૂંટણીઓ અને વાઇબ્રન્ટ સમિટ જેવા બહાના હેઠળ આ યોજના સતત વિલંબમાં પડતી રહી હતી. અંતે જ્યારે કામ શરૂ થયું ત્યારે ગુણવત્તાના ભોગે માત્ર કામ પૂરું કરવા પર ભાર મુકાયો હતો. સાડા ચાર દાયકા જૂની જર્જરિત લાઇનો ગમે ત્યારે ફરી દગો દઈ શકે છે તેવી આશંકા અત્યારે પાટનગરના રહીશોને સતાવી રહી છે. જો આગામી સમયમાં આ જૂની લાઇનો બદલવામાં નહીં આવે, તો ગાંધીનગરવાસીઓએ વારંવાર પાણીના કકળાટ અને તંત્રની લાપરવાહીનો ભોગ બનવું પડશે.